/connect-gujarat/media/media_files/2025/11/25/mamta-benerjee-2025-11-25-21-02-38.jpg)
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 24 પરગણાના મતુઆ બહુલ્ય બનગામાં થયેલી સભામાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીધો હુમલો બોલ્યો. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે આ પ્રક્રિયાના નામે રાજ્યના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે અને વાસ્તવિક મતદારોના નામ કપાતા જાય તેવી ભીતિ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “અમે SIRનો વિરોધ નથી કરતા, પરંતુ સાચા મતદારોના નામ કોઈ પરિબળ હેઠળ કપાનાં ન જોઈએ.” તેમની દલીલ હતી કે જો કોઈ મતદારને ગેરકાયદેસર ગણવામાં આવે, તો તે જ વ્યક્તિએ અગાઉ આપેલા મતની કાનૂનીતા પર પણ સવાલ ઊભો થાય છે, જેમાં 2014 અને 2024 બંનેની લોકસભા ચૂંટણીનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ પર પણ બેનર્જીએ કટુ પ્રહાર કર્યો. તેઓએ કહ્યું કે ભાજપ પોતાની ઓફિસમાંથી મતદાર યાદી નક્કી કરવાનો પ્રયાસ કરે છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેવાને બદલે રાજકીય દબાણ હેઠળ કાર્ય કરે છે. તેમણે ચેતવણી આપી કે, “ભાજપ મારી સાથે રાજકીય રમતમાં ટક્કર આપી શકતી નથી. જો ભાજપે બંગાળમાં મને કે મારી સરકારને દબાવવાનો પ્રયાસ કર્યો, તો હું દેશભરમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ.”
સભા દરમિયાન મમતાએ આક્ષેપ કર્યો કે ભાજપે તેમની હેલિકોપ્ટર યાત્રા અટકાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ મતુઆ સમુદાય સુધી ન પહોંચી શકે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીય એજન્સીઓ તેમની પાછળ મુકવામાં આવે, તોય તેઓને રાજકીય રીતે હરાવી શકાશે નહીં. તેમણે લોકોને ચેતવ્યું કે ચૂંટણી પહેલાં નાણાં વહેંચવાનો પ્રયાસ થશે, પરંતુ બંગાળના લોકો “પૈસા લઈ લેશે પણ મત ભાજપને નહીં આપે”—એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
મમતાના આ તીવ્ર પ્રહારો ચૂંટણી પૂર્વ રાજકીય હલચલનો સાફ સંકેત આપે છે, જ્યાં SIR જેવી પ્રક્રિયા નવા રાજકીય ટકરાવનું કેન્દ્ર બની રહી છે અને બંગાળની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ ગઈ છે.