/connect-gujarat/media/media_files/2025/11/07/bhivandi-2025-11-07-13-59-53.jpg)
મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં આવેલા સારવલી ગામમાં શુક્રવારે સવારે ડાઇંગ (કપડાં રંગવાની) કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
માહિતી મુજબ સવારે લગભગ 9 વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક આગ લાગતા સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. કપડાં અને રસાયણિક પદાર્થો વધુ પ્રમાણમાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે બિલ્ડિંગના પ્રથમ અને બીજા માળ પર આવેલી તમામ દુકાનો અને વિભાગો સંપૂર્ણપણે તેની ઝપેટમાં આવી ગયા હતા.
આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ઘાટા ધુમાડાના ગોટેગોટાં આકાશમાં ઉડતા દેખાયા હતા. સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ફાયરમેનોએ જોખમ વચ્ચે ઘુસી જઈને આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરી રહી છે.
થાણે નગરનિગમના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ભિવંડી તાલુકાના સારવલી ગામની છે અને હાલમાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી. જો કે, આગના કારણે મિલકત અને સામગ્રીનું મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ પ્રાથમિક તપાસ મુજબ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ આગને સંપૂર્ણપણે બુઝાવવાની સાથે કૂલિંગ ઑપરેશન પણ ચલાવી રહી છે, જેથી ફરીથી આગ ન ભભૂકે.
આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર સજાગ થઈ ગયા છે અને આસપાસના અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા ચકાસણી શરૂ કરી દીધી છે. ભિવંડી જે ટેક્સટાઈલ અને ડાઇંગ ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી નિયમોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.