/connect-gujarat/media/media_files/2025/12/10/nainital-2025-12-10-15-34-56.jpg)
ઉત્તરાખંડના નૈનિતાલમાં સોમવાર સાંજે એક ગંભીર આગકાંડ બન્યો હતો.
ગોવા નાઈટક્લબ ઘટનાના પડઘા હજુ શાંત નથી ત્યારે નૈનિતાલના ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી લાકડાની બનેલી ઇમારતમાં આગ ભભૂકી ઊઠી હતી. અચાનક લાગેલી આગના કારણે બે લોકો અંદર ફસાઈ ગયા હતા, પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઇમારત લાકડાની બનેલી હોવાને કારણે આગ ક્ષણોમાં ફેલાઈ ગઈ અને અંદર રહેલુ તમામ સામાન ખાખ થઈ ગયું.
સ્થાનિક SDM નવાજીશ ખાલિકે જણાવ્યું કે સાંજે 7:24 વાગ્યે ઘટના અંગે માહિતી મળતાં જ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. લગભગ એક કલાક અને દસ મિનિટની કઠિન કામગીરી બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના અંગે ગંભીર નોંધ લઈને રાત્રે પણ ફાયર ટેન્કર અને ટીમને સ્થળ પર જ તૈનાત રાખવા સૂચના આપી છે.
ચીફ ફાયર ઓફિસર ગૌરવ કિરારે જણાવ્યું કે ઇમારત સંપૂર્ણપણે લાકડાની હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ત્રણ ફાયર ટેન્કર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટર્સે આગને આસપાસની ઇમારતોમાં ફેલાતી અટકાવી મોટી દુર્ઘટનાને ટાળી હતી. પ્રવાસીઓની ભીડવાળા આ વિસ્તારમાં આગ વહેલી લાગી હોત તો નુકસાન અત્યંત ભયાનક બની શકતું.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, આગ એટલી વિકરાળ હતી કે કોઈએ અંદર જવાનો જોખમ પણ ન લીધો. પરંતુ ફાયર ટીમે હિંમત અને ઝડપ સાથે બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ. નૈનિતાલની આ આગકાંડ ઘટનાએ લાકડાની ઇમારતોની સલામતી અંગે ફરી એક વખત પ્રશ્નો ઉભા કર્યા છે, પરંતુ તંત્રની સમયસર કાર્યવાહીથી એક મોટી દુર્ઘટના અટકી ગઈ.