/connect-gujarat/media/media_files/2025/12/10/microsoft-2025-12-10-15-27-57.jpg)
ભારતના ટેક અને ડિજિટલ ક્ષેત્ર માટે મંગળવારનું દિવસ ઐતિહાસિક ઠર્યું છે.
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ દેશમાં 17.5 અબજ ડોલર (રૂ. 1.5 લાખ કરોડ)ના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ માઇક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ગણાશે અને તેની સાથે ભારતને ‘એઆઇ-ફર્સ્ટ નેશન’ બનાવવા કંપની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નડેલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ભારત એઆઇની દિશામાં જે દૃઢ પગલાં લઈ રહ્યું છે તે પ્રેરણાદાયક છે, અને માઇક્રોસોફ્ટ દેશના લક્ષ્યોને પૂર્ણ કરવા સંપૂર્ણ સહકાર આપશે.
માઇક્રોસોફ્ટે જણાવ્યું છે કે આ નવું રોકાણ હાલમાં બેંગ્લુરુમાં કરવામાં આવેલા 3 અબજ ડોલરના ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણથી સંપૂર્ણપણે અલગ છે. નવા રોકાણથી ભારતમાં વધુ ડેટા સેન્ટર, એઆઇ મોડેલ્સ માટે જરૂરી કોમ્પ્યુટિંગ ક્ષમતા, અને યુવા પ્રતિભાઓ માટે વિશાળ સ્તર પર અપસ્કિલિંગ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, ભારત એઆઇના મોરચે એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ પર છે અને આવનારા વર્ષોમાં દેશ વૈશ્વિક એઆઇ-હબ બની શકે છે. આ કારણસર માઇક્રોસોફ્ટ આગામી ચાર વર્ષમાં એશિયાનું સૌથી મોટું રોકાણ ભારત પર કેન્દ્રિત કરી રહી છે.
કંપનીએ કહ્યું કે ભારત today’s emerging AI frontier છે, કારણ કે અહીં ટેકનોલોજી દ્રારા સમાવિષ્ટ વૃદ્ધિ, ઝડપી ડિજિટલ પરિવર્તન અને વિશાળ વ્યાપના ટેક-અડોપ્શન જોવા મળે છે. માઇક્રોસોફ્ટ આગામી વર્ષોમાં ભારતમાં લગભગ 20 અબજ ડોલર સુધીનું રોકાણ એકંદરે કરવાની યોજના ધરાવે છે, જેમાં એઆઇ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોવરીન ક્લાઉડ ક્ષમતા અને ટેક-સ્કિલિંગનો સમાવેશ થાય છે.
આ પહેલા ઓક્ટોબરમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ પણ પીએમ મોદીને મળીને ભારતમાં 15 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ગૂગલ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં વિશાળ સ્તરે એઆઈ હબ અને ડેટા સેન્ટર સ્થાપવા અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી રહ્યું છે. આ રીતે માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા વિશ્વના ટોચના ટેક દિગ્ગજોના મોટા રોકાણોથી ભારત આગામી દાયકામાં વૈશ્વિક એઆઇ-ઇકોસિસ્ટમનું કેન્દ્ર બને તેવી શક્યતા વધી રહી છે.