Connect Gujarat
દેશ

મુંબઈ: શાહરુખ ખાનના પુત્ર આર્યનની NCBએ ડ્રગ્સ કેસમાં કરી અટકાયત; લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું

એનસીબીએ ગોવા જતી ક્રૂઝ પર ચાલે રહેલી રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ અટકાયત કરવામાં આવી છે.

X

એનસીબીએ ગોવા જતી ક્રૂઝ પર ચાલે રહેલી રેવ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ અટકાયત કરવામાં આવી છે.

2 ઓક્ટોબરના રોજ મુંબઈની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે મુંબઈ પોર્ટ ખાતે એક ક્રૂઝ પર રેડ મારી અને ત્યાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે. મહત્વનુ છે કે, પાર્ટીમાં શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન સામેલ હતો. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. સાથે જ NCBએ કયા આઠ લોકોની અટકાયત કરી, તેનું લિસ્ટ પણ જાહેર કર્યું છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતી પ્રમાણે શાહરૂખના દીકરા આર્યન ખાનની સાથે ત્રણ યુવતીની પણ પૂછપરછ કરાઈ રહી છે. એનસીબીએ જે નામોની લિસ્ટ બહાર પાડી છે તે પ્રમાણે આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંઘ, મોહક જસવાલ, વિક્રાન્ત ચોકર અને ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે. દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય યુવતીઓ દિલ્હીના બિઝનેસમેનની દીકરીઓ છે. આ તમામની પૂછપરછ થઈ રહી છે.

એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવશે. જોકે, આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.

હાલ તો, NCBએ આર્યનનો ફોન જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. જોકે, શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.

ગોવા જતી ક્રૂઝ પર દરોડો પાડી બોલિવૂડને હલાવી દેનાર NCB અધિકારી સમીર વાનખેડે કોણ છે..?

બોલિવુડની દુનિયામાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે અને તેનું કારણ છે નાર્કોટિક્સ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડે. ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારી સમીર વાનખેડે જ એ અધિકારી છે, જેમણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની વિરુદ્ધ ડ્રગ્સના કાવતરાની તપાસ કરી હતી અને હવે તેઓ ફરી એકવાર મુંબઈમાં એક ક્રૂઝ શિપ પર દરોડાને લઈને ચર્ચામાં છે જ્યાં બોલિવૂડ પર ફરીથી શંકાની સોય છે. સંયોગથી વાનખેડેનું એક વિશેષ બોલિવૂડ કનેક્શન પણ છે. તેમણે લોકપ્રિય મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા છે. રેડકરે વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ગંગાજલમાં અભિનેતા અજય દેવગણ સાથે કામ કર્યું છે. વાનખેડે અને ક્રાંતિએ માર્ચ 2017માં લગ્ન કર્યા હતા. વાનખેડે વર્ષ 2008ની બેચના IRS અધિકારી છે.

તેમનું પહેલું પોસ્ટિંગ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે થઈ હતી. છેલ્લા બે વર્ષમાં તેમના નેતૃત્વવાળી એક ટીમે તપાસમાં 17,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી હતી. વર્ષ 2008થી 2020 સુધી તેઓ એર ઇન્ટેલિજન્સ યૂનિટના ઉપાયુક્ત, રાષ્ટ્રીય તપાસ એજન્સીના એડિશનલ એસપી, DRIના સંયુક્ત આયુક્ત અને NCBના ઝોનલ નિદેશકના પદ પર રહી ચૂક્યા છે.

ચાલો જાણીએ, બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન :

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ બોલીવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા સ્ટાર્સની NCBની ટીમ દ્વારા પૂછપરછ કરી ચુકી છે. જેમાં અભિનેતા અર્જુન રામપાલ, અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભિનેતા અરમાન કોહલી, અભિનેત્રી રિયા ચક્રવર્તી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા, અભિનેતા એઝાઝ ખાન, ટીવી કલાકાર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે.

Next Story