કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ધડાધડ ગોળીઓ મારી હુમલાખોરોએ કરી હત્યા, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી..!

સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમાજમાં યુવાનોમાં ખૂબ પ્રખ્યાત ચહેરો હતો.

New Update
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ધડાધડ ગોળીઓ મારી હુમલાખોરોએ કરી હત્યા, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી લીધી..!

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિત સિંહને ગંભીર ઈજા થઈ હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું.

રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડીનું ઘર જયપુરમાં શ્યામનગર જનપથ પર છે. મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ 3 હુમલાખોર તેમના ઘરે મળવાના બહાને પહોંચ્યા હતા. પહેલા તો હુમલાખોર સોફા પર બેસી ગયા અને ગોગામેડી સાથે વાત કરવા લાગ્યા હતા. લગભગ 10 મિનિટ પછી તેઓ ઊભા થયા અને ધડાધડ ગોળીઓ વરસાવવા લાગ્યા. ગોગામેડીને 4 ગોળી વાગી હતી. ગોળીબાર દરમિયાન ગોગામેડીના ગાર્ડે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ ગાર્ડ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું.

જતા-જતા એક હુમલાખોરે ગોગામેડીને માથામાં ગોળી મારી હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક હુમલાખોરને ગોળી વાગી હતી, અને તેનું પણ મોત થયું હતું. ફાયરિંગ બાદ હુમલાખોરો ભાગી રહ્યા હતા, અને શેરીમાંથી નીકળીને એક કારને રોકીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ડ્રાઈવરને પિસ્તોલ બતાવી, ત્યારે તે કાર દોડાવીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેમણે પાછળથી આવી રહેલા મોપેડ સવારને ગોળી મારી ઇજા પહોંચાડી અને મોપેડ લઇને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગની ઘટના અંગે માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમાજમાં યુવાનોમાં ખૂબ પ્રખ્યાત ચહેરો હતો. તેમણે વર્ષ 2018ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી ભદ્રમાંથી ટિકિટ માંગી હતી, જે સુખદેવ સિંહને મળી ન હતી. છેલ્લા ઘણા સમયથી સુખદેવ સિંહની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ ટકરાવના અહેવાલો મળી રહ્યા હતા.

Latest Stories