/connect-gujarat/media/media_files/2025/11/26/car-blast-2025-11-26-14-00-27.jpg)
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતાં ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં રહેતા શોએબ નામના યુવકની ધરપકડ કરી છે.
આ વ્યક્તિ આત્મઘાતી હુમલાખોર ડૉક્ટર ઉમર-ઉન-નબીને માત્ર આશ્રય જ આપતો ન હતો, પરંતુ બ્લાસ્ટ પૂર્વે તેને જરૂરી લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડતો હતો.
આ ધરપકડ સાથે કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા સાત થઈ છે, જેમાં આમિર રાશિદ અલી, જાસિર બિલાલ વાની, ડૉ. મુઝમ્મિલ શકીલ, ડૉ. અદીલ અહેમદ, ડૉ. શાહીન સઈદ અને મુફ્તી ઇરફાન અહેમદનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ 10 નવેમ્બરના ભયાનક હુમલા બાદ, જેમાં 15 લોકોના મૃત્યુ થયા અને અનેક ઘાયલ થયા હતા, દેશના વિવિધ રાજ્યોમાં દરોડા, ટેક્નિકલ એનાલિસિસ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે સરગર્મીથી તપાસ ચાલુ છે.
મળતી વિગતો અનુસાર, શોએબ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વોર્ડ બૉય તરીકે કાર્યરત હતો અને મેવાત વિસ્તારમાંથી દર્દીઓને સારવાર માટે લઈ જતો હોવાથી તે ઉમર અને તેના સાથી મુઝમ્મિલને અગાઉથી ઓળખતો હતો. આ સંબંધનો લાભ લઈ તેણે ઉમરને નૂંહમાં પોતાની સાળીના ઘરે રોકાવવાની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત, તેણે ઉમરને સ્થળાંતર, આશ્રય, કનેક્શન અને જરૂરી સામગ્રી જેવી સહાયતા આપીને હુમલો સુગમ બનાવવા થકી સીધો સહયોગ આપ્યો હતો.
તપાસમાં બહાર આવી રહ્યું છે કે આ નેટવર્ક માત્ર એક રાજ્ય પૂરતું સીમિત ન હતું, પરંતુ અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને દરેક સભ્યને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ કારણે સુરક્ષા એજન્સીઓ હાલમાં વિવિધ સ્તરે તપાસનો વ્યાપ વધારી રહી છે, જેથી તમામ કડિયા જોડીને બ્લાસ્ટ પાછળના મૂળ સૂત્રધારો સુધી પહોંચવામાં સરળતા થાય.
NIA માને છે કે શોએબની ધરપકડ આ કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે તે માત્ર ઉમર સાથે જોડાયેલો સહાયક જ નહોતો, પરંતુ નેટવર્કના અંદરના કારોબાર વિશે પણ ઘણું જાણતો હોવાની શક્યતા છે.
એજન્સી હવે તેની કસ્ટડી દરમિયાન મળનારા પુરાવા અને કબૂલાતના આધારે વધુ તથ્યો બહાર લાવવા માટે તૈયાર છે. દેશના સુરક્ષાને પડકારતા આવા આતંકી ષડયંત્રો સામે NIAની આ કામગીરી ભવિષ્યમાં સમાન પ્રયાસોને નિષ્ફળ કરવા દિશામાં મહત્વપૂર્ણ બને તેવી આશા છે.