/connect-gujarat/media/media_files/2025/12/05/gadkari-2025-12-05-17-06-12.jpg)
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન દેશના હાઇવે માળખામાં મોટો ફેરફાર લાવતી જાહેરાત કરી.
તેમણે જણાવ્યું કે હાલની ટોલ વસૂલાત સિસ્ટમને આગામી એક વર્ષમાં તબક્કાવાર બંધ કરીને તેને સંપૂર્ણપણે હાઇ-ટેક, ઈલેક્ટ્રોનિક અને બેરિયરલેસ સિસ્ટમથી બદલી દેવામાં આવશે. આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ દેશભરના હાઇવે પર ચાલતા લાખો વાહનચાલકોને ટોલ પ્લાઝા આગળ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, જેને કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે.
ગડકરીએ કહ્યું કે નવી સિસ્ટમનું ટ્રાયલ દેશના 10 સ્થળોએ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એક વર્ષની અંદર તેને રાષ્ટ્રીય સ્તરે અમલી બનાવવાનો લક્ષ્ય છે. હાલ FASTagના કારણે ટોલ પર રોકાણનો સમય ઘટ્યો છે, પરંતુ નવી બેરિયરલેસ સિસ્ટમ વાહન ઓળખીને આપમેળે ટોલ કાપશે અને કોઈ ભૌતિક બેરિયર નહીં હોય. દેશભરમાં હાલમાં 4,500 થી વધુ હાઇવે પ્રોજેક્ટ્સ ચાલુ છે, જેણે 10 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ ધરાવે છે. આ સિસ્ટમ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) યોજનાનો હિસ્સો છે, જેમાં FASTagનું મહત્વપૂર્ણ સ્થાન છે, જે RFID ટેકનોલોજીથી સીધા જ બેન્ક ખાતામાંથી રકમ કપાય છે.
ટોલ વસૂલાત સંબંધિત નવા નિયમોમાં એક મોટો ફેરફાર UPIથી ચુકવણી અંગે છે. સરકારે જાહેરાત કરી કે FASTag વગરના અથવા નિષ્ક્રિય FASTag ધરાવતા વાહનોને હવે રોકડમાં બમણો ટોલ નહીં ભરવો પડે. 15 નવેમ્બરથી લાગુ થયેલા નવા નિયમ મુજબ આવા વાહનો UPI દ્વારા ફક્ત 1.25 ગણો ટોલ ટેક્સ ચૂકવી શકશે. અગાઉ FASTag ન હોય તો બમણો ટોલ ભરવાનો નિયમ લાગુ પડતો હતો, પરંતુ હવે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ દંડમાં રાહત આપવામાં આવી છે.
આ સમગ્ર પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતને સ્માર્ટ, ઝડપી, પારદર્શક અને રોકટોક મુક્ત બનાવવાનો છે, જેથી દેશના હાઇવે મુસાફરોને વધુ સરળ અને કાર્યક્ષમ અનુભવ મળી રહે.