/connect-gujarat/media/media_files/2025/12/04/pan-masala-2025-12-04-16-20-41.jpg)
પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે પાન મસાલા બજાર પર વધુ સખ્ત નિયંત્રણ લાવતા કાનૂની મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) બીજા સુધારા નિયમો, 2025 જાહેર કર્યા છે, જેના અંતર્ગત હવે કોઇપણ કદ કે વજનના તમામ પાન મસાલાના પેક પર સ્પષ્ટ રીતે છૂટક વેચાણ કિંમત (MRP/RSP) દર્શાવવી જરૂરી રહેશે. ગ્રાહક બાબતો વિભાગના સંયુક્ત સચિવ અનુપમ મિશ્રાએ જારી કરેલા આદેશ મુજબ નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે, અને તમામ ઉત્પાદકો, પેકરો અને આયાતકારોને તેનું કડક પાલન કરવું પડશે. અત્યાર સુધી 10 ગ્રામ કે તેથી ઓછા વજનના નાના પેકેટોને MRP લખવાની છૂટ અપાતી હતી, પરંતુ હવે આ છૂટ સમાપ્ત કરવામાં આવી છે.
નવા નિયમ મુજબ દરેક પેકેટ પર વજન, ઉત્પાદન તારીખ, ઉત્પાદકનું નામ અને લીગલ મેટ્રોલોજી રૂલ્સ–2011માં દર્શાવેલી તમામ જરૂરી વિગતો સ્પષ્ટ રીતે લખવી ફરજિયાત રહેશે. અગાઉ નિયમ 26(A) હેઠળ નાના પેકને કેટલીક માહિતી આપવાથી મુક્તિ હતી, પરંતુ હવે આ મુક્તિ હટાવી દેવામાં આવી છે. સરકારનું માનવું છે કે સ્પષ્ટ MRP લખાતા હવે ગ્રાહકો સાથે વધારે કે ઓછી રકમ વસૂલી શકાશે નહીં અને બજારમાં પારદર્શિતા વધશે. ખરીદી કરતી વખતે લોકો પાસે યોગ્ય અને પૂરી માહિતી ઉપલબ્ધ રહેશે, જે ગ્રાહક સુરક્ષાના હેતુને વધુ મજબૂત બનાવશે.
સરકારને આશા છે કે RSP ફરજિયાત થતા હવે પાન મસાલા પર GSTની ગણતરી વધુ સચોટ રીતે થઈ શકશે. બજારમાં નાના હોય કે મોટા, દરેક પેકેજ પર યોગ્ય કર વસૂલાત શક્ય બનશે અને કરચોરી પર અસરકારક રીતે અંકુશ આવશે. આ બદલાવથી પાન મસાલાના બજારમાં નિયમન વધુ કડક બનશે અને કર વેરા સંબંધિત ગેરરીતિઓમાં ઘટાડો થશે એવી સરકારની અપેક્ષા છે.