આજથી નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થશે. લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 વાગ્યે શરૂ થશે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:15 વાગ્યે શરૂ થશે. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં કુલ 1280 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના મે મહિનામાં આ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશાળ ઈમારતમાં 888 સભ્યો લોકસભાની ચેમ્બરમાં અને 300 સભ્યો રાજ્યસભાની ચેમ્બરમાં આરામથી બેસી શકે છે. બંને ગૃહોની સંયુક્ત બેઠકના કિસ્સામાં લોકસભા ચેમ્બરમાં કુલ 1280 સભ્યો બેસી શકે છે.
PM મોદીએ 10 ડિસેમ્બર, 2020 ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને તે ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર છે. 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ચાર માળની ઇમારત ત્રિકોણાકાર છે. જો વિસ્તારની દૃષ્ટિએ જોવામાં આવે તો તે જૂના સંસદ ભવન કરતાં લગભગ 17,000 ચોરસ મીટર મોટું છે. આ સિવાય તેને અત્યાધુનિક ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેના પર ભૂકંપની અસર થશે નહીં. જ્યારે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે તેને બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો હતો અને તેના બાંધકામનો અંદાજિત ખર્ચ 971 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.