/connect-gujarat/media/media_files/2025/11/23/delhi-2025-11-23-16-52-13.jpg)
નોઈડા અને ગ્રેટર નોઈડામાં વધતા પ્રદૂષણના નિયંત્રણ માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
NCR વિસ્તારમાં હવાની સતત બગડતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આયોગે આદેશ જાહેર કર્યો છે કે 1 જાન્યુઆરી 2026થી ઈ-કોમર્સ અને ઓનલાઈન ડિલિવરી ક્ષેત્રમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા કોઈપણ વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં. તેમાં બે-પહિયા, ત્રણ-પહિયા, ઓટો, સ્કૂટર તેમજ નાના કોમર્શિયલ વાહનો (LCV/LGV) તમામ સામેલ છે.
આદેશ મુજબ આગામી દોઢ વર્ષમાં નોઈડા–ગ્રેટર નોઈડામાં કામ કરતી તમામ ડિલિવરી કંપનીઓએ તેમના ડિલિવરી પાર્ટનર્સને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર સંપૂર્ણ રીતે શિફ્ટ કરવાના રહેશે. આ નિયમ સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લિંકિટ જેવી મોટી કંપનીઓ અને હજારો ડિલિવરી પાર્ટનર્સ પર સીધી અસર કરશે.
CAQMએ સ્પષ્ટ કર્યું છે કે 2026 પછી ડિલિવરી સેવાઓમાં ઉપયોગમાં લેવાતા દરેક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને નાના કોમર્શિયલ વાહનો ફક્ત ‘ક્લિન ફ્યુલ’ પર જ ચાલવા જોઈએ. આ પગલાથી NCRમાં સતત વધતું વાહન પ્રદૂષણ ઘટાડવામાં અને હવાની ગુણવત્તામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં મદદ મળશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.