દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપૉર્ટ' વિશે સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે સત્ય બધાની સામે આવી રહ્યું છે અને આખરે હકીકત બહાર આવે છે. પીએમ મોદીએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યૂઝરની X પૉસ્ટને ફરીથી પૉસ્ટ કરી છે. ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપૉર્ટના ટ્રેલરનો પણ આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ રિપૉસ્ટ કરતા લખ્યું કે, "આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. નકલી કથા થોડા સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!"
પીએમ મોદીએ જે પૉસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેમાં ફિલ્મ જોવાના 4 કારણો આપવામાં આવ્યા છે. આ કારણોને સમજાવતા યૂઝરે લખ્યું છે કે આ ફિલ્મ ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા 59 લોકોને સાચી શ્રદ્ધાંજલિ છે.
ફિલ્મને પ્રશંસનીય પ્રયાસ ગણાવતા યૂઝરે લખ્યું છે કે ફિલ્મના માધ્યમથી એક અત્યંત શરમજનક ઘટનાનું સત્ય સામે આવ્યું છે. તેણે ફિલ્મ નિર્માતાઓની સંવેદનશીલતાની પણ પ્રશંસા કરી હતી.