/connect-gujarat/media/media_files/2025/11/19/delhi-2025-11-19-15-12-15.jpg)
દિલ્લીની શિયાળાની ઋતુમાં વધતા પ્રદૂષણ વચ્ચે એક તાજી વૈજ્ઞાનિક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
અભ્યાસ અનુસાર, હવામાં જોવા મળતા અત્યંત સૂક્ષ્મ પ્રદૂષક PM2.5 બાળકો માટે સૌથી ભારે જોખમ બની રહ્યો છે. ખાસ કરીને 8થી 9 વર્ષના બાળકો શ્વાસ લેતા સમયે લેવાતા કુલ PM2.5નો લગભગ 40% હિસ્સો તેમના ફેફસાંના સૌથી ઊંડા ભાગો ડીપ લંગ્સ’ સુધી પહોંચી જાય છે. એકવાર ત્યાં પહોંચી ગયા પછી આ કણો લાંબા સમય સુધી જમા રહે છે અને ફેફસાંના વિકાસને ગંભીર રીતે અસર કરે છે. નાના શિશુઓમાં પણ લગભગ 30% PM2.5 કણો ઊંડાણ સુધી ઉતરી જાય છે, જ્યારે તેની તુલનામાં PM10ના માત્ર 1% કણો જ ત્યાં સુધી પહોંચી શકે છે, કારણ કે મોટા ભાગના PM10 કણો નાક, ગળા અથવા ઉપરના શ્વાસ માર્ગમાં જ અટકી જાય છે.
અભ્યાસ કરનાર CREAના વિશ્લેષક ડૉ. મનોજ કુમારનું કહેવું છે કે બાળકોના ફેફસાં હજુ વિકાસશીલ સ્થિતિમાં હોય છે, તેમની શ્વાસનળી સાંકડી હોય છે અને તેઓ પુખ્તો કરતાં ઝડપી શ્વાસ લે છે. આ બધાં કારણોસર PM2.5 કણો વધુ સરળતાથી તેમના ફેફસાંમાં ઊંડે ઉતરીને લાંબા સમય સુધી જમા થાય છે. ડૉ. કુમારે ખાસ ઉલ્લેખ કર્યો કે બાળકોના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે PM2.5નો સંપર્ક ઘટાડવો સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
પર્યાવરણ નીતિની દૃષ્ટિએ પણ સ્ટડી ગંભીર ખામી દર્શાવે છે. 18 ઑક્ટોબરથી 16 નવેમ્બર સુધીના 30 દિવસોમાંથી દરેક દિવસે PM2.5 જ દિલ્લીનું મુખ્ય પ્રદૂષક રહ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે વાયુ પ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ધૂળ નહીં પરંતુ વાહન ધુમાડો, ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને કચરો બાળવાથી બનતા દહન સ્ત્રોતો છે. તેમ છતાં, સરકારની મોટી ભાગની નીતિઓ હજુ પણ ‘ડસ્ટ કન્ટ્રોલ’ પર જ કેન્દ્રિત છે, જ્યારે પ્રદૂષણનું મૂળ કારણ સૂક્ષ્મ દહન કણો (PM2.5) છે, જેને માટે વાસ્તવિક અને અસરકારક રોકથામની જરૂર છે.