/connect-gujarat/media/media_files/2025/12/29/rahul-2025-12-29-17-38-08.jpg)
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના 24 વર્ષીય વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
આ ઘટના હવે માત્ર એક ક્રિમિનલ કેસ નહીં રહી, પરંતુ નફરત, ભેદભાવ અને પૂર્વગ્રહથી જોડાયેલા ગંભીર મુદ્દા તરીકે રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તેને સમાજમાં વધતી અસહિષ્ણુતાનું પરિણામ ગણાવ્યું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પ્રતિક્રિયા આપતા દેહરાદૂન હત્યાકાંડને સ્પષ્ટ શબ્દોમાં ‘હેટ ક્રાઈમ’ ગણાવ્યો છે. તેમણે લખ્યું કે આવી નફરત કોઈ એક રાતમાં પેદા થતી નથી, પરંતુ વર્ષોથી સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા ફેલાવવામાં આવતા ઝેરી ભાષણો અને પૂર્વગ્રહયુક્ત વિચારોથી સમાજમાં નફરતને સામાન્ય બનાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિવિધતા, પરસ્પર સન્માન અને એકતા પર આધારિત દેશ છે, જ્યાં ડર, અપમાન અને અપશબ્દોને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તેમણે ત્રિપુરા અને સમગ્ર પૂર્વોત્તર ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે દેશને તેમના પર ગર્વ છે અને ભારતીયોએ આવા હુમલાઓ સામે ચૂપ ન રહીને દેશના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
આ મુદ્દે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ સરકારની મૌનતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સીધી અપીલ કરતાં કહ્યું કે એન્જલ ચકમાની હત્યા કટ્ટરતા અને નફરતભર્યા વાતાવરણનું ચોંકાવનારું ઉદાહરણ છે. કપિલ સિબ્બલે કહ્યું કે સરકારના નેતાઓની ચુપકીદી આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે અને ગૃહમંત્રી તરીકે અમિત શાહે આવા ગુનાઓ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવો જોઈએ, જેથી દેશમાં સ્પષ્ટ સંદેશ જાય કે નફરત આધારિત હિંસા સહન કરવામાં આવશે નહીં.
જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગત 9 ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકુઈ બજારમાં ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના વતની એન્જલ ચકમા અને તેના ભાઈ માઈકલનો કેટલાક સ્થાનિક યુવકો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઝડપથી હિંસક બની ગયો અને આરોપીઓએ ચપ્પુ તેમજ પીતળના નકલથી એન્જલ પર જીવલેણ હુમલો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા એન્જલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં લાંબી સારવાર બાદ 26 ડિસેમ્બરના રોજ તેનું મોત નીપજ્યું હતું.
એન્જલના પિતા તરુણ ચકમા, જે બીએસએફમાં ફરજ બજાવે છે, તેમણે આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે હુમલાખોરોએ તેમના પુત્રને ‘ચાઇનીઝ મોમો’ કહીને નસ્લીય ગાળો આપી હતી. જ્યારે એન્જલે પોતે ભારતીય હોવાનું કહી વિરોધ કર્યો, ત્યારે તેના પર વધુ ઘાતક હુમલો કરવામાં આવ્યો. જોકે, સ્થાનિક પોલીસે નસ્લીય હુમલાની થિયરીને નકારી છે અને જણાવ્યું છે કે આરોપીઓમાં એક પોતે મણિપુરનો છે. હાલ પોલીસે બે સગીર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી (નેપાળી મૂળનો) હજુ ફરાર છે, જેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે.
આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા વચ્ચે પણ વાતચીત થઈ છે અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે. તેમ છતાં, એન્જલ ચકમાની હત્યાએ દેશભરમાં એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું ભારત ખરેખર નફરત અને ભેદભાવથી મુક્ત સમાજ તરફ આગળ વધી રહ્યું છે કે પછી આવી ઘટનાઓ ભવિષ્ય માટે ચેતવણી બનીને રહી જશે.