રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન રામ મેઘવાલ પોતાનો મત આપવા બિકાનેર ઈસ્ટના કિસામીડેસરના બૂથ નંબર 174 પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ભાજપ તમામ બેઠકો પર જીતી રહ્યું છે. રાજસ્થાન વિકાસના મુદ્દા પર મતદાન કરવા જઈ રહ્યું છે. મેં દરેકને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.