/connect-gujarat/media/media_files/2025/09/13/ind-2025-09-13-16-18-15.jpg)
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ એક નવા સ્તરે પહોંચવા જઈ રહ્યું છું. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય નૌકાદળ માટે 6 વધારાના P-8I મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટની ડીલ અંગે બંને દેશો વચ્ચે વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
આ ડીલ લગભગ 4 અબજ ડોલરની છે અને આ માટે એક અમેરિકન પ્રતિનિધિમંડળ 16થી 19મી સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી આવશે.
અહેવાલો અનુસાર, પ્રતિનિધિમંડળમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને બોઈંગના પ્રતિનિધિઓ તેમજ અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓના અધિકારીઓનો સમાવેશ થશે. આમાં અંડર સેક્રેટરી ઓફ ડિફેન્સ ફોર પોલિસી, નેવી ઈન્ટરનેશનલ પ્રોગ્રામ્સ ઓફિસ (NIPO), મેરીટાઇમ પેટ્રોલ એન્ડ રેકગ્નિશન એરક્રાફ્ટ પ્રોગ્રામ ઓફિસ (PMA 290) અને ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA)નો સમાવેશ થાય છે. NIPO વૈશ્વિક મેરીટાઈમ ભાગીદારી સંભાળવા માટે જવાબદાર છે જ્યારે PMA 290 મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટના સંપાદન અને સપોર્ટમાં છે.
ભારત પાસે હાલમાં 12 P-8I વિમાન છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR) તેની દેખરેખ અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત કરવા માટે નૌકાદળને વધુ 6 વિમાનોની જરૂર છે. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં ચીની યુદ્ધ જહાજો અને સબમરીનની હાજરી વધી છે, પછી ભલે તે સર્વેક્ષણના નામે હોય કે ચાંચિયાગીરી વિરોધી કામગીરી હેઠળ. આ જ કારણ છે કે ભારતીય નૌકાદળ તેની દેખરેખ ક્ષમતાઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે.
P-8I વિમાન સાથે ભારતની સફર 2008માં શરૂ થઈ હતી જ્યારે નૌકાદળે પહેલી વાર 8 વિમાન ખરીદ્યા હતા. ત્યારબાદ 2016 માં 4 વધુ વિમાન ખરીદ્યા હતા. નૌકાદળે કુલ 10 વધારાના વિમાનોની માંગ કરી હતી, પરંતુ 2019 માં 6 P-8I ને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયને મે 2021માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી લીલી ઝંડી મળી હતી.
P-8I વિમાનો લાંબા અંતરની દેખરેખ માટે બનાવવામાં આવ્યા છે અને ઊંડા સમુદ્રમાં પણ સબમરીનને શોધી અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. P-8I વિમાન 41,000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે અને એક ઉડાનમાં 8,300 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેમાં 11 હાર્ડ પોઈન્ટ છે, જેમાં એન્ટી-શિપ મિસાઈલ, ક્રુઝ મિસાઈલ, હળવા વજનના ટોર્પિડો અને એન્ટી-સબમરીન વોરફેર ચાર્જ ઇન્સ્ટોલ કરી શકાય છે.