/connect-gujarat/media/media_files/2025/12/27/bihar-2025-12-27-13-11-41.jpg)
આજે બિહારના રોહતાસ જિલ્લામાં રોપવેનો ટ્રાયલ રન ચાલું હતો ત્યારે જ તેનો એક ભાગ તૂટી પડતાં પ્રોજેક્ટના કામકાજ અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સદનસીબે આ ઘટના ટ્રાયલ રન દરમિયાન બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ પરીક્ષણ સફળ થયું હોત તો નવા વર્ષમાં આ રોપવે સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવાનો હતો. આવી સ્થિતિમાં કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે આ ઘટના એક મોટી દુર્ઘટનાને નોતરું આપતી હતી. વિકાસના નામે ઊભા કરાયેલા માળખાં જો શરૂઆતમાં જ ધસી પડે, તો જનસુરક્ષા અને જવાબદારી બંને પર પ્રશ્નચિહ્ન ઉભું થાય છે.
રોહતાસમાં પ્રાચીન રોહતાસગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ મંદિર સુધી સરળ અને ઝડપી પહોંચ સુલભ કરવાના હેતુથી આ રોપવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 12 ફેબ્રુઆરી, 2020ના રોજ શરૂ થયેલા આ પ્રોજેક્ટને શરૂઆતથી જ અનેક તકનીકી ખામીઓનો સામનો કરવો પડ્યો હતો. દાવા મુજબ તમામ સમસ્યાઓ દૂર કર્યા બાદ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રાયલ રન પૂર્ણ થાય એ પહેલાં જ તેના અનેક થાંભલા તૂટી પડ્યા. કહેવત મુજબ, “મુહૂર્તના પહેલા કોળિયામાં જ માખી પડી” એવી સ્થિતિ સર્જાઈ છે. રોપવે તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં રોષ અને અવિશ્વાસ ફેલાયો છે.
આ ઘટના કોઈ કુદરતી આપત્તિનું પરિણામ નથી, પરંતુ માનવસર્જિત બેદરકારી અને સંભવિત ખામીઓનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આવા માળખાં જો ટ્રાયલ તબક્કે જ નિષ્ફળ સાબિત થાય, તો તેની ગુણવત્તા વિશે ગંભીર શંકા ઉપજે છે. આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે, લગભગ પાંચ વર્ષમાં તૈયાર થયેલા આ પ્રોજેક્ટ દ્વારા 60 કિલોમીટરનું અંતર થોડી મિનિટોમાં કાપવાની યોજના હતી, પરંતુ હવે એ તમામ સપનાઓ પાણીમાં જતા દેખાઈ રહ્યા છે. બિહારમાં વર્ષોથી નીતિશ સરકારનું શાસન છે અને આ પહેલી ઘટના નથી કે જ્યાં નબળી ગુણવત્તાના કામને કારણે અઘટિત ઘટના બની હોય; અગાઉ પણ નિર્માણાધીન પુલ ધસી પડ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેથી પ્રશ્ન ઉઠે છે કે શું કોન્ટ્રાક્ટરોને મનફાવે તેમ કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે અને દેખરેખમાં ગંભીર ખામીઓ છે?
આશરે 1324 મીટર લાંબા આ રોપવેમાં કુલ પાંચ ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ટાવરનો ઢાળ લગભગ 40 ડિગ્રીનો છે. રોપવે શરૂ થયા બાદ લગભગ 1400 ફૂટની ઊંચાઈએ આવેલા રોહતાસગઢ સુધી પહોંચવું ખૂબ સરળ બનવાનું હતું. અગાઉ લોકોને ત્યાં પહોંચવા માટે 60 કિલોમીટરનો લાંબો ફેરો લગાવવો પડતો હતો અથવા તો જોખમી અને કઠિન માર્ગે પગપાળા જવું પડતું હતું. નવા વર્ષમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ આધુનિક સુવિધા ખુલશે એવી આશા હતી, પરંતુ હવે વર્ષોની મહેનત અને કરોડો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક લોકો રોપવેના નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટના માત્ર એક પ્રોજેક્ટની નિષ્ફળતા નહીં, પરંતુ બિહારમાં વિકાસના નામે થતી બેદરકારીની કડવી હકીકતને ઉજાગર કરે છે.