/connect-gujarat/media/media_files/2025/12/04/rahul-gandhi-2025-12-04-17-16-24.jpg)
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે, ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે તેમને વિપક્ષના નેતાઓ સાથે મળવા મંજૂરી આપતી નથી. તેમણે દાવો કર્યો કે ભારતની લાંબી રાજનૈતિક પરંપરામાં હંમેશા વિદેશી નેતાઓ વિપક્ષના પ્રતિનિધિઓને મળતા આવ્યા છે, પરંતુ હાલમાં આ પ્રોટોકોલનું પાલન થતું નથી. લોકતંત્રની દૃષ્ટિએ આ વર્તન ચિંતાજનક હોવાનું કહી, રાહુલે વધુમાં ઉમેર્યું કે સરકાર ઇચ્છતી નથી કે વિદેશી મહેમાનોને દેશમાં ચાલી રહેલા વિકલ્પાત્મક મત અથવા વિપક્ષનો દૃષ્ટિકોણ સાંભળવામાં આવે.
સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેમને સંદેશા મળે છે કે સરકારએ વિદેશી નેતાઓને વિપક્ષ સાથે ન મળવા કહ્યું છે. તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના સમયમાં ચાલતી પરંપરાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, રાજનૈતિક પરિપક્વતા એ જ હતી કે સત્તા અને વિપક્ષ બંને સાથે વિદેશી નેતાઓની મુલાકાત થાય, જેથી તેમને દેશના રાજકારણ અને નીતિઓ અંગે સંતુલિત સમજ મળે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે સરકારની કટાક્ષ સાથે ટીકા કરી હતી. પ્રિયંકાએ આને લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ ગણાવી જણાવ્યું કે, સરકાર કોઈ પણ પ્રકારના ભિન્ન અવાજો સાંભળવા તૈયાર નથી અને તે વિપક્ષના દૃષ્ટિકોણને દબાવવા પ્રયત્નશીલ છે. લોકતંત્રમાં મંતવ્યોની વિવિધતા અને સંવાદ ખૂબ જ જરૂરી છે, પરંતુ સરકાર પ્રોટોકોલ તોડીને તેને અવગણવાનો પ્રયાસ કરી રહી છે.
ત્યારે બીજી તરફ, વ્લાદિમીર પુતિન આજે સાંજે ભારત પહોંચશે અને તેમની આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક નિર્ધારિત છે. બંને નેતાઓ વચ્ચે સુરક્ષા સંબંધો, રક્ષા સહકાર, પરસ્પર વ્યાપારને વૈશ્વિક દબાણોથી સુરક્ષિત રાખવા તેમજ પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર ટેક્નોલોજી પર સહકાર જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થશે. પુતિનના પ્રવાસ અને ઉચ્ચ સ્તરની ચર્ચાઓને ધ્યાનમાં રાખીને દેશનું રાજકીય તાપમાન વધ્યું છે, અને વિદેશી નેતાઓ સાથેની મીટિંગ પ્રોટોકોલને લઈને વિવાદ સરકારે અને વિપક્ષ વચ્ચેના તણાવને વધુ સ્પષ્ટ બનાવે છે.