/connect-gujarat/media/media_files/2025/12/05/rg-2025-12-05-16-45-23.jpg)
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉભા થયેલા ઈન્ડિગો એરલાઈન્સના સંકટ પર કેન્દ્ર સરકારને સીધી આક્ષેપોની ઝપેટમાં લીધી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે, ઇન્ડિગોની કામગીરીમાં સર્જાયેલું ગંભીર વિઘ્ન કેન્દ્ર સરકારની ‘મેચ ફિક્સિંગ’ નીતિનું સ્પષ્ટ પરિણામ છે, જેના કારણે ફરી એકવાર સામાન્ય ભારતીય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં 550થી વધુ આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવાથી અને અનેક ફ્લાઇટ્સ મોડી પડવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. રાહુલ ગાંધીએ આ સ્થિતિને સામાન્ય લોકોને લાચાર બનાવતી નીતિઓનું પરિણામ ગણાવ્યું હતું.
દેશના એવિએશન માર્કેટમાં ઇન્ડિગો 60 ટકા જેટલો સૌથી મોટો માર્કેટ શેર ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઇન્સ ભારે સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. ખાસ કરીને નવા FDTL (Flight Duty Time Limitation) નિયમોના અમલ બાદ પાયલોટ્સ અને કેબિન ક્રૂની ઉપલબ્ધિમાં ઘટાડો થયો છે, જેના કારણે માત્ર ચાર દિવસમાં જ 1300થી વધુ ફ્લાઈટ્સ રદ અથવા મોડી પડી છે. વિમાન સેવા ક્ષેત્રમાં આ અચાનક સર્જાયેલા વિક્ષેપને કારણે દેશના અનેક એરપોર્ટ્સ પર અવ્યવસ્થા અને ગભરાટનું માહોલ જોવા મળ્યો છે.
ઈન્ડિગોની કામગીરીમાં ભંગાણ સર્જાતાં જ Directorate General of Civil Aviation (DGCA) હરકતમાં આવી છે. ડીજીસીએ પાયલોટ્સ માટે જાહેર કરાયેલ સાપ્તાહિક આરામ (Weekly Rest) સંબંધિત જૂના આદેશને તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની જાહેરાત કરી છે. નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય એ વિમાન સંચાલનને રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોને વધુ મુશ્કેલીમાંથી બચાવવા માટે લેવામાં આવ્યો હોવાનું ડીજીસીએ સ્પષ્ટ કર્યું છે. વિવિધ એરલાઇન્સ તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને જ આ પગલું ભરવામાં આવ્યું છે, જેથી ક્રૂની ઉપલબ્ધતા વધે અને ફ્લાઇટ ઓપરેશન્સ સ્થિર થઈ શકે.
આ સમગ્ર ઘટનાક્રમને લઇને રાજકીય ચર્ચાઓ તેજ બની છે, જ્યાં એક તરફ સરકાર સંકટ નિવારણ માટે પગલાં લઈ રહી હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ વિરોધ પક્ષ સરકારની નીતિને જવાબદાર ગણાવી રહી છે. હાલની પરિસ્થિતિ જોતા મુસાફરોને થતી અસુવિધા ઘટાડવા માટે ઝડપી અને અસરકારક પગલાં અનિવાર્ય બન્યા છે.