ભારત દેશના ચંદ્રયાન-3ના પગલાં ચંદ્રની ધરતી પર પડી ગયા છે, ત્યારે ઈસરોએ 6 પૈડાં અને 26 કિલો વજનવાળા પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો છે. હવે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર આગળ વધવાનું શરૂ કર્યું છે.
ભારત દેશના ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ગત તા. 14 જુલાઈના રોજ સવારે 3.35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે, ત્યારે ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. ભારત દેશના ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ગત તા. 23મી ઓગષ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની ધરતી પગ મુકી ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ 6 પૈડાં અને 26 કિલો વજનવાળા પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો હતો. તેણે ગુરુવારે ચંદ્રની સપાટી પર આગળ વધવાનું શરૂ કર્યું છે. ગુરુવારે સવારે લેન્ડિંગના લગભગ 14 કલાક પછી, ઇસરોએ રોવરના બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. ચંદ્રની સપાટી પર આવતાની સાથે જ રોવરે સૌપ્રથમ તેની સૌર પેનલ ખોલી હતી. તે 1 સેમી/સેકંડની ઝડપે આગળ વધે છે, અને તેની આસપાસના વિસ્તારોને સ્કેન કરવા માટે નેવિગેશન કેમેરાનો ઉપયોગ કરે છે. રોવર 12 દિવસમાં લગભગ અડધો કિલોમીટરનું અંતર કાપશે. તેમાં 2 પેલોડ છે, જે પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં મદદ કરશે. આ તસવીરો ઓર્બિટર પર લગાવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા (OHRC)માંથી લેવામાં આવી છે. હાલમાં ચંદ્રની ભ્રમણ કક્ષામાં શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવતો આ એકમાત્ર કેમેરો છે.