દિલ્હીમાં પ્રદૂષણનો રેકોર્ડ તોડ સ્તર: શાળામાં હાઈબ્રિડ મોડ, 50% કર્મચારીઓ માટે WFH ફરજિયાત

દિલ્હી ધીમે ધીમે ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ રહી છે. રાજધાનીમાં વાયુ પ્રદૂષણ એટલા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો છે

New Update
delhi

દિલ્હી ધીમે ધીમે ‘ગેસ ચેમ્બર’માં ફેરવાઈ રહી છે.

રાજધાનીમાં વાયુ પ્રદૂષણ એટલા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો છે, જેને અત્યંત ગંભીર સ્થિતિ તરીકે ગણવામાં આવે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાના કડક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય જનજીવન, શિક્ષણ વ્યવસ્થા અને કામકાજની પદ્ધતિઓ પર વ્યાપક અસર પડશે.

GRAP-4 અંતર્ગત દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તમામ પ્રકારના નિર્માણ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ કરીને સ્ટોન ક્રશર, ખનન સંબંધિત પ્રવૃત્તિઓ અને ધૂળ ઊડાડતી કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો ચલાવવાની મનાઈ કરવામાં આવી છે, જેથી વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાય.

શિક્ષણ ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. પાંચમી ધોરણ સુધીની શાળાઓને હાઈબ્રિડ મોડમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પરિસ્થિતિ અનુસાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભણતર આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિક અને દૈનિક અવરજવર ઘટે અને પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે.

આ સમગ્ર મુદ્દે સંસદમાં પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 11 ડિસેમ્બરના રોજ ઓડિશાના સાંસદ મંગરાજે શૂન્યકાળ દરમિયાન દિલ્હી પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દિલ્હી અને ઓડિશાની તુલના કરતા જણાવ્યું હતું કે, ઓડિશા વર્ષોથી ચક્રવાત, પૂર અને અન્ય કુદરતી આફતો સામે અસરકારક રીતે લડતું આવ્યું છે, તેથી દિલ્હીએ પણ વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઓડિશા જેવી વ્યવસ્થિત અને દૃઢ કામગીરી અપનાવવી જોઈએ.

સાંસદ મંગરાજે ખાસ કરીને સંસદના સભ્યો, સંસદીય અધિકારીઓ, ડ્રાઈવરો, સફાઈ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઝેરી હવાના સતત સંપર્કમાં રહેતા આ લોકોનું જીવન જોખમમાં મૂકાઈ રહ્યું છે, અને આ સ્થિતિને સામાન્ય ગણવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તેમના મતે, જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ સૌથી વધુ હોય છે ત્યારે સંસદના સત્રો યોજવાથી ગંભીર આરોગ્ય જોખમ ઊભું થાય છે.

આ કારણે તેમણે સૂચન કર્યું હતું કે, જરૂર પડે તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેરો જેમ કે ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અથવા દેહરાદૂન જેવા શહેરોમાં વૈકલ્પિક રીતે સંસદની કામગીરી યોજવાની વિચારણા કરવી જોઈએ. દિલ્હીનું વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણીય સમસ્યા નહીં, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સ્તરની ગંભીર ચેતવણી બની ગયું છે, જેને તાત્કાલિક અને લાંબા ગાળાના પગલાંથી જ કાબૂમાં લઈ શકાય.

Latest Stories