ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને જામીન, પીડિતાના નિવેદનોથી ન્યાય પર ગંભીર સવાલ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસે એક સમયે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આજે ફરી એકવાર તે કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

New Update
sengaar

ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસે એક સમયે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આજે ફરી એકવાર તે કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

કારણ છે દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ, જેમાં આ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ પીડિતાના વર્ષો જૂના ઘા ફરી તાજા થયા છે. પીડિતાએ પોતાના દુખદ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, હાઇકોર્ટના આદેશ પછી તેણે ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં પોલીસ દ્વારા તેના સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. તેણીનો આરોપ છે કે પોલીસકર્મીઓએ તેને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કા માર્યા, જ્યારે તેના શરીરમાં લગભગ 250 ટાંકા છે અને હાથ-પગમાં સળિયા નાખવામાં આવ્યા છે, જેના કારણે તેને અસહ્ય પીડા સહન કરવી પડી.

દિલ્હી હાઇકોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે તે પોતે કોર્ટમાં હાજર હતી, પરંતુ સમગ્ર કાર્યવાહી અંગ્રેજીમાં થવાને કારણે તે પોતાનો વિરોધ યોગ્ય રીતે રજૂ કરી શકી નહીં. તેણીનું કહેવું છે કે જો સુનાવણી હિન્દીમાં હોત, તો કદાચ તે ન્યાયાધીશો સામે પોતાનો પ્રશ્ન અને પીડા વ્યક્ત કરી શકી હોત. આ અનુભવ પછી તેને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય મેળવવો કેટલો જટિલ અને દુષ્કર બની ગયો છે. ચુકાદા બાદ તે માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી અને એટલી નિરાશ થઈ ગઈ હતી કે તેને આપઘાત કરવાના વિચાર પણ આવ્યા હતા, પરંતુ બાળકો અને પરિવારનો વિચાર કરીને તેણે પોતાને સંભાળી.

પીડિતાએ આ નિર્ણયને લઈને એક મહત્વનો સવાલ ઉઠાવ્યો છે કે જો આવા ગંભીર અને જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે છે, તો પીડિતાઓ અને સાક્ષીઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે. તેણીનો આરોપ છે કે જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ તેના પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. અનેક વખત પોલીસ અને કોર્ટમાં અરજીઓ કરવામાં આવી, પરંતુ કોઈ અસરકારક સુનાવણી થઈ નથી. પીડિતાનું કહેવું છે કે જ્યારે આરોપી પ્રભાવશાળી અને શક્તિશાળી હોય છે, ત્યારે ડર ફક્ત તેના જેલમાંથી બહાર આવવાનો નથી, પરંતુ તેના સમર્થકો અને સમગ્ર નેટવર્કનો પણ હોય છે.

ભવિષ્ય વિશે વાત કરતી વખતે પીડિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે આજે જે તેની સાથે થયું છે, તે કાલે તેની દીકરી કે દીકરા સાથે પણ થઈ શકે છે. એક માતા તરીકે તેણે આ દુખ સહન કર્યું છે, પરંતુ તેની દીકરી માટે આવી પીડાની કલ્પના પણ તેને અંદરથી તોડી નાંખે છે. તેણી માને છે કે આ ચુકાદાથી ફક્ત તે જ નહીં, પરંતુ ન્યાયની આશા સાથે જીવતી દરેક દીકરી ડરી ગઈ છે. આવા નિર્ણયો સમાજમાં ખોટો સંદેશ આપે છે અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

પીડિતાએ પોતાના કાકાના મામલે પણ ગંભીર સવાલ ઉઠાવ્યો છે. તેણીનું કહેવું છે કે તેના કાકાએ કોઈ ગુનો કર્યો નથી, છતાં તેઓ છેલ્લા સાત વર્ષથી જેલમાં છે, જ્યારે જેણે તેની સાથે દુષ્કર્મ કર્યો, તે શક્તિશાળી રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતો હોવાથી તેને જામીન મળી રહ્યા છે. તેણીનું માનવું છે કે સામૂહિક દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં જામીન આપવાનો નિર્ણય ખતરનાક નઝીર બની શકે છે. જો દુષ્કર્મના આરોપમાં જામીન મળી શકે, તો ભવિષ્યમાં હત્યા જેવા ગુનામાં પણ આરોપીઓને રાહત મળવાની ભીતિ ઉભી થાય છે, જે ન્યાય વ્યવસ્થાની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નચિહ્ન ઉભો કરે છે.

ઇન્ડિયા ગેટ પર થયેલા વિરોધ દરમિયાન પોલીસના વર્તન અંગે પણ પીડિતાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીનો દાવો છે કે તેને કલાકો સુધી બંધક બનાવી રાખવામાં આવી અને દબાણ કરવામાં આવ્યું કે તે કુલદીપ સેંગર વિરુદ્ધ ન બોલે. એટલું જ નહીં, તેણે કેટલાક પોલીસકર્મીઓ પર નશામાં ડ્યુટી કરવાના આરોપો પણ લગાવ્યા છે. પોતાના જીવને ખતરો હોવાની વાત કરતા પીડિતાએ જણાવ્યું કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને પૈસાની તાકાત સામે સામાન્ય માણસ કેટલી બેબસ થઈ જાય છે, તે તેણે પોતાની આંખે જોયું છે.

છેલ્લે પીડિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે તે ચુપ નહીં બેસે. જ્યાં સુધી આરોપીની જામીન રદ નહીં થાય, ત્યાં સુધી તેનો સંઘર્ષ ચાલુ રહેશે, ભલે તેને પોતે જેલ જવું પડે. તેણીએ સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે કોર્ટ ખુલતાં જ તે ત્યાં અરજી કરશે. તેના મતે, ન્યાય માટેનો આ સંઘર્ષ ફક્ત તેનો નથી, પરંતુ દરેક તે દીકરીનો છે, જે સુરક્ષા અને ન્યાયની આશા સાથે જીવતી છે.

Latest Stories