/connect-gujarat/media/media_files/2025/12/14/shivraj-singh-2025-12-14-12-50-29.jpg)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં એકાએક વધારો કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગને મળેલા ગુપ્ત ઈનપુટના આધારે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP)ને મોકલાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિવરાજસિંહ ચૌહાણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સંભવિત નિશાના પર હોઈ શકે છે અને તેમની અંગે માહિતી એકત્ર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ ચેતવણીને ગંભીરતાથી લેતા કેન્દ્ર અને રાજ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવી છે.
ગૃહ વિભાગની સૂચના મળતા જ મધ્યપ્રદેશ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ભોપાલમાં આવેલા શિવરાજસિંહના નિવાસસ્થાન બંગલો નંબર 74/B8ની આસપાસ વધારાના બેરિકેડ ઉભા કરી દેવામાં આવ્યા છે અને સજ્જડબંધ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. પ્રવેશ-નિકાસ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મહત્વનું છે કે શિવરાજસિંહ ચૌહાણને અગાઉથી જ Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ નવા ઈનપુટ બાદ આ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે સંબંધિત તમામ સુરક્ષા એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે. આ સાથે મધ્યપ્રદેશના મુખ્ય સચિવને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (સિક્યુરિટી)ને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે, જેથી દિલ્હી પ્રવાસો દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સંકલિત રહી શકે.
ISI દ્વારા શિવરાજસિંહ ચૌહાણ અંગે માહિતી એકત્ર કરાઈ હોવાના ઈનપુટને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વ્યવસ્થાની પુનઃસમિક્ષા કરવામાં આવી છે. ગૃહ વિભાગના પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્તરે તકેદારી રાખવી જરૂરી છે. શિવરાજસિંહ હાલ Z+ સુરક્ષા ઘેરામાં છે, જેને દેશની સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે. સામાન્ય રીતે Z+ સુરક્ષામાં NSG કમાન્ડો સહિત અંદાજે 55 જેટલા પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે, જોકે તેમની ચોક્કસ સંખ્યા અને તૈનાતીની વિગતો સુરક્ષા કારણોસર જાહેર કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જન પ્રતિનિધિઓની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં, અને મળતા દરેક ઈનપુટ પર ઝડપી તથા કડક પગલાં લેવામાં આવશે.