/connect-gujarat/media/media_files/2025/12/13/suicide-2025-12-13-14-33-16.jpg)
દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શુક્રવારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.
52 વર્ષીય અનુરાધા કપૂર અને તેમના બે પુત્રો આશિષ (32) તથા ચૈતન્ય (27) પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેયના મૃતદેહ ઘરના અંદર ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં લટકતા હતા. આ ઘટના બહાર ત્યારે આવી, જ્યારે કોર્ટના આદેશ પર સંબંધિત મિલકતનો કબજો લેવા માટે એક ટીમ તેમના ઘરે પહોંચી હતી. લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ પણ કોઈ જવાબ ન મળતાં ટીમે ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલ્યો હતો, જેમાં અંદરનો દ્રશ્ય સૌને હચમચાવી નાખે એવો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક તંગી અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. તેઓ જે ઘરમાં રહેતા હતા, તે અંગે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો અને એ જ મામલે કોર્ટની ટીમ કબજો લેવા આવી હતી. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પરિવારની માનસિક સ્થિતિ અને લાંબા સમયથી ચાલતા ડિપ્રેશનનો ઉલ્લેખ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસ હાલ આ સુસાઇડ નોટની વિગતવાર તપાસ કરી રહી છે, જેથી ઘટનાના કારણો સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ શકે.
સ્થાનિક પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે આ પરિવાર બહુ એકાંતવાસી હતો અને અન્ય લોકો સાથે ખાસ સંપર્ક રાખતો નહોતો. અગાઉ પણ પરિવારના સભ્યોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે, જેમાં સમયસર સારવાર મળતાં તેઓ બચી ગયા હતા. જોકે, આ વખતે કોઈને જાણ ન થતા દુર્ભાગ્યપૂર્ણ રીતે ત્રણેયના મોત થયા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તમામ પાસાઓથી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનસિક આરોગ્ય, આર્થિક તણાવ અને સામાજિક સહારાની ગંભીર જરૂરિયાત તરફ ધ્યાન ખેંચ્યું છે.