રાજસ્થાનના ઝાલોરમાં સામાજિક ફરમાન: 15 ગામોમાં યુવતીઓ માટે સ્માર્ટફોન પર પ્રતિબંધ

પંચાયતના નિર્ણય અનુસાર, વિદ્યાર્થીનીઓ ઘરમાં અભ્યાસ હેતુ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ તેને ઘરની બહાર લઈ જવાની મંજૂરી નહીં હોય..........

New Update
Jalore Rajasthan
રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના નિર્ણયને કારણે રાજ્યભરમાં ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક કડક અને વિવાદાસ્પદ નિર્ણય લેતા 15 ગામોમાં તમામ યુવતીઓ અને પુત્રવધૂઓ માટે સ્માર્ટફોન, ખાસ કરીને કેમેરાવાળા મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ સામાજિક ફરમાન મુજબ 26 જાન્યુઆરી પછી કોઈ પણ મહિલા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં અને ફક્ત બેઝિક કી-પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી આપવામાં આવશે.

રવિવારે ઝાલોર જિલ્લાના ગાઝીપુર ગામમાં યોજાયેલી સમાજની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકની અધ્યક્ષતા સુજનરામ ચૌધરીએ કરી હતી. બેઠકમાં હાજર સમાજના અગ્રણીઓએ સર્વાનુમતે આ નિર્ણયને મંજૂરી આપી હતી. આ નિયમ ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ 15 ગામોમાં લાગુ કરવામાં આવશે. પંચાયતના આદેશ અનુસાર મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સ્માર્ટફોન સાથે લઈ જઈ શકશે નહીં.

પંચાયતના નિર્ણય મુજબ, જો કોઈ મહિલાને ફોન પર વાત કરવાની જરૂર હોય તો તે માત્ર બેઝિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને લઈને થોડું શિથિલ વલણ અપનાવવામાં આવ્યું છે. પંચાયતના નિર્ણય અનુસાર, વિદ્યાર્થીનીઓ ઘરમાં અભ્યાસ હેતુ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ તેને ઘરની બહાર લઈ જવાની મંજૂરી નહીં હોય. આ રીતે પંચાયતે યુવતીઓની દૈનિક જીવનશૈલી પર સીધી અસર પાડતો નિર્ણય લીધો છે.

આ પ્રતિબંધ પાછળ પંચાયતે જે તર્ક આપ્યો છે તે પણ ચર્ચાસ્પદ બન્યો છે. પંચાયતના સભ્યોનું કહેવું છે કે ઘણી મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેવા માટે નાના બાળકોને સ્માર્ટફોન આપી દે છે, જેના કારણે બાળકો લાંબા સમય સુધી સ્ક્રીન જોતા રહે છે અને તેમની આંખો પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનનો વધતો ઉપયોગ સામાજિક મર્યાદાઓ અને પરંપરાગત મૂલ્યો માટે જોખમી હોવાનું પંચાયતનું માનવું છે. આ કારણોને આધારે સમાજની “ભલાઈ” માટે આ પ્રતિબંધ જરૂરી હોવાનું તેઓ દાવો કરે છે.

જો કે, પંચાયતના આ નિર્ણય સામે વિરોધના સૂર પણ જોરશોરથી ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ નિર્ણયને વ્યક્તિગત સ્વતંત્રતા પર હુમલો ગણાવી રહ્યા છે અને તેને “તુગલકી ફરમાન” તરીકે વર્ણવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે સ્માર્ટફોન માત્ર મનોરંજનનું સાધન નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને રોજગાર સાથે પણ જોડાયેલો છે. મહિલાઓને ટેકનોલોજીથી દૂર રાખવું એ તેમના વિકાસ અને સ્વતંત્રતાને અવરોધવા સમાન છે.

આધુનિક યુગમાં જ્યારે દેશ ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આવા સામાજિક નિર્ણયો સમાજમાં પછાત વિચારધારાને પ્રોત્સાહન આપે છે તેવી ટીકા થઈ રહી છે. ઝાલોરની આ ઘટના એ પ્રશ્ન ઊભો કરે છે કે સામાજિક પંચાયતને વ્યક્તિગત જીવન અને મૂળભૂત અધિકારો પર આવા નિયંત્રણો લાદવાનો કેટલો અધિકાર છે. આવનારા દિવસોમાં આ મુદ્દે પ્રશાસન, રાજકારણ અને સમાજ તરફથી શું પ્રતિભાવ મળે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
Latest Stories