/connect-gujarat/media/media_files/2025/11/30/cyclon-2025-11-30-13-10-47.jpg)
દક્ષિણ ભારતમાં ચક્રવાત ‘દિતવાહ’ના પ્રભાવથી ત્રણેય રાજ્ય તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં બનેલું આ ચક્રવાતી તોફાન શનિવારે શ્રીલંકામાં વિનાશ સર્જીને આગળ વધ્યું અને રવિવારની વહેલી સવારે તે તમિલનાડુના દરિયાકાંઠા તરફ ખેચાતું આવ્યું. શ્રીલંકામાં મોટી પૂર અને ભૂસ્ખલનની દુર્ઘટનામાં 150થી વધુ લોકોનાં મોત થયા પછી તેની અસર ભારત પર પણ ગંભીર રીતે દેખાઈ રહી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ અને આસપાસના વિસ્તારોમાં આજે તડકાભર્યા પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે દરિયાકાંઠે જવા પર સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ તોફાન આજે સવારે પુડુચેરીથી 130 કિલોમીટર અને ચેન્નઈથી લગભગ 220 કિલોમીટર દૂર દરિયામાં સક્રિય હતું. હવામાન વિભાગ અનુસાર તે 7 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને સાંજ સુધી તમિલનાડુ–પુડુચેરીના દરિયાકાંઠાથી માત્ર 30 કિલોમીટર દૂર પહોંચી જશે. આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઈ છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ અને બાપટલા જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 54 ફ્લાઈટ્સ રદ થવાથી હવાઈ સેવા પર મોટો પ્રભાવ પડ્યો છે, જ્યારે અનેક જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રામનાથપુરમ, નાગપટ્ટિનામ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેથી સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. વેધરણ્યમ વિસ્તારમાં વરસાદના કારણે અંદાજે 9,000 એકર મીઠાના ખેતરો પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે એક લાખ એકરથી વધુ વિસ્તારમાં ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે રાજ્ય સરકારે SDRF, NDRF અને અન્ય કુલ 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોને તૈનાત કરી છે. લગભગ 6,000 રાહત શિબિર ઉભા કરવામાં આવ્યા છે, જોકે હાલ સુધી થોડોક જ લોકોનું ત્યાં સ્થળાંતર કરાયું છે. તોફાનને કારણે રેલવે સેવાઓમાં પણ વ્યાપક બદલાવ કરવામાં આવ્યા છે અને સધર્ન રેલવે દ્વારા અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે નાગપટ્ટિનામ જિલ્લાના વેધરણ્યમ વિસ્તારમાં ચક્રવાતની તીવ્ર અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને સમુદ્રથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવધ રહેવા અપીલ કરી છે.