ઉન્નાવ દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે, સેંગરના જામીન પર રોક

દિલ્હી હાઈકોર્ટ દ્વારા ભાજપના સસ્પેન્ડેડ નેતા અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલા જામીનને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

New Update
kuldeep sengar

ઉત્તર પ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટ દ્વારા ભાજપના સસ્પેન્ડેડ નેતા અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલા જામીનને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જામીનના ચુકાદા પર હાલ પૂરતી સ્ટે મૂકી દીધી છે. કોર્ટના આ આદેશ બાદ કુલદીપ સિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આગામી ચાર અઠવાડિયા બાદ આ કેસની ફરી વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ જામીન રોકવાના મૂડમાં સ્પષ્ટ રીતે જોવા મળી હતી. બેન્ચે સેંગર તરફથી હાજર વકીલોને કડક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મુદ્દાથી ભટકી આડી-અવળી દલીલો કરવાની જગ્યાએ સીધા સ્ટે અંગે વાત કરો. કોર્ટે જણાવ્યું હતું કે અમે જામીન પર સ્ટે આપવા તૈયાર છીએ, પરંતુ જો તમે હાઈકોર્ટના જામીનને ચાલુ રાખવા માંગતા હો, તો તેની યોગ્ય અને મજબૂત કારણો રજૂ કરો. કોર્ટની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ થયું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલત કોઈ નરમાઈ દાખવવા તૈયાર નથી.

સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસને ‘ભયાનક અને અતિ ગંભીર’ ગણાવ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે દુષ્કર્મ સમયે પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષ હતી, જે સ્પષ્ટ રીતે પોક્સો એક્ટ હેઠળ આવતો ગુનો છે. આ માત્ર દુષ્કર્મ જ નહીં, પરંતુ સગીર પર આચરાયેલો સાબિત થયેલો ગંભીર અપરાધ છે. છતાં પણ દિલ્હી હાઈકોર્ટે સેંગરને જામીન આપીને કેસની ગંભીરતાને યોગ્ય રીતે ન સમજ્યાનો આરોપ સીબીઆઈએ લગાવ્યો હતો. સીબીઆઈની આ દલીલોને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.

ઉન્નાવ દુષ્કર્મ કેસ ભારતના સૌથી હચમચાવી દેનારા અને ચર્ચિત ગુનાઓમાંનો એક રહ્યો છે. 2017માં ઉન્નાવની એક સગીર યુવતીએ ભાજપના તત્કાલીન ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર નોકરી અપાવવાના બહાને સામૂહિક બળાત્કારનો આરોપ મૂક્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે 4 જૂન, 2017ના રોજ જ્યારે તે મદદ માગવા ગઈ હતી, ત્યારે સેંગરે તેના ઘરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. શરૂઆતથી જ પીડિતા અને તેના પરિવારને પોલીસ, પ્રશાસન અને રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો હતો.

ન્યાય માટેની લડાઈ દરમિયાન પીડિતાને અસહ્ય સંઘર્ષ સહન કરવો પડ્યો. એપ્રિલ 2018માં લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો. થોડા જ સમયમાં પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મૃત્યુ થયું, જેને કારણે આ કેસ વધુ ગંભીર બન્યો. જુલાઈ 2019માં થયેલા કાર અકસ્માતમાં પીડિતાના બે નજીકના સંબંધીઓના મોત થયા, જેને લઈને પણ ભારે શંકાઓ વ્યક્ત થઈ હતી.

આ તમામ ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતા સમજીને કેસને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કર્યો અને તપાસ સીબીઆઈને સોંપી. ડિસેમ્બર 2019માં દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેંગરને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ, પીડિતાના પિતાના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ તેને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા શરતી જામીનને લઈને ફરી વિવાદ ઊભો થયો હતો. હવે સુપ્રીમ કોર્ટના તાજા આદેશ બાદ ફરી એકવાર સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે આવા જઘન્ય ગુનાઓમાં ન્યાયિક કડકાઈથી કોઈ સમજૂતી નહીં કરવામાં આવે.

Latest Stories