અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો યુ-ટર્ન, 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક

ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અને તેની આસપાસની ટેકરીઓ માટે એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી.

New Update
arawali

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાને લઈને પોતાના જ 20 નવેમ્બરના મહત્વપૂર્ણ ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

આ નિર્ણય સાથે જ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમનો સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં બેઠેલી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી અને હવે કેસની આગામી વિગતવાર સુનાવણી 21 જાન્યુઆરીએ કરવામાં આવશે. કોર્ટના આ પગલાને પર્યાવરણ અને વિકાસ વચ્ચેના સંતુલન અંગેની મોટી કાનૂની પ્રક્રિયા તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અને તેની આસપાસની ટેકરીઓ માટે એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. આ સાથે જ, નિષ્ણાત સમિતિનો સંપૂર્ણ અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા અરવલ્લી પટ્ટામાં નવા ખનન લીઝ અથવા કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણયનો હેતુ પર્યાવરણના સંરક્ષણ સાથે અરવલ્લીની કુદરતી રચનાને બચાવવાનો હતો.

આ સમગ્ર વિવાદની શરૂઆત ગયા મહિને થઈ હતી, જ્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડોને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને સ્વીકારી લેતાં જ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણપ્રેમીઓ અને સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો. તેમનો આક્ષેપ હતો કે આવી સંકુચિત વ્યાખ્યાથી અરવલ્લીના મોટા વિસ્તારમાં ખનનનો રસ્તો ખુલ્લો થઈ શકે છે, જે પર્યાવરણ માટે ગંભીર ખતરો બની શકે.

વિવાદ વધતો જોઈને કેન્દ્ર સરકારે પણ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો. 24 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે નવો આદેશ જાહેર કરી જણાવ્યું કે અરવલ્લી વિસ્તારમાં નવા ખાણકામ માટે કોઈ નવી મંજૂરી આપવામાં આવશે નહીં. તેમ છતાં, આ મુદ્દે કાનૂની ગૂંચવણ યથાવત રહેતાં હવે સુપ્રીમ કોર્ટે પોતાનો અગાઉનો ચુકાદો સ્થગિત કરીને તમામ પક્ષોના જવાબ માંગ્યા છે. 21 જાન્યુઆરીની સુનાવણીમાં કોર્ટ તરફથી આ મહત્વના પર્યાવરણ સંકળાયેલા વિવાદમાં દિશાનિર્દેશક નિર્ણય આવવાની શક્યતા છે, જેને દેશભરમાં ધ્યાનપૂર્વક જોવામાં આવશે.

Latest Stories