/connect-gujarat/media/media_files/2025/12/13/kerala-2025-12-13-15-27-43.jpg)
કેરળની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
આ પરિણામો માત્ર બેઠકોના ગણિત સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તેમણે કેટલાક એવા મુદ્દાઓને કેન્દ્રમાં લાવ્યા છે, જે આગામી વિધાનસભા ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)એ પોતાનો પરંપરાગત દબદબો મોટા ભાગે જાળવી રાખ્યો છે અને કોંગ્રેસ પણ અનેક વિસ્તારોમાં મજબૂતીથી લડતી જોવા મળી છે, પરંતુ આ સમગ્ર માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી ખાસ મહત્ત્વની સાબિત થઈ છે. ખાસ કરીને એર્નાકુલમ જિલ્લાના મુનંબમ વિસ્તારમાં NDAની જીતને ભાજપ કેરળના રાજકારણમાં એક ‘ટર્નિંગ પોઇન્ટ’ તરીકે જોઈ રહી છે.
મુનંબમ વોર્ડમાં મળેલી જીતને ભાજપે ‘ઐતિહાસિક’ ગણાવી છે. પાર્ટીના કેરળ મહાસચિવ અનૂપ એન્ટની જોસેફે દાવો કર્યો છે કે આ જીત માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક સંદેશ પણ આપે છે. ભાજપના નેતાઓ મુજબ, મુનંબમ વિસ્તારમાં આશરે 500 ખ્રિસ્તી પરિવારો વક્ફ બોર્ડના કથિત ગેરકાયદેસર દાવાઓને કારણે પોતાના ઘરો ગુમાવવાની સ્થિતિમાં હતા. ભાજપનો દાવો છે કે મોદી સરકાર અને પાર્ટીએ આ પરિવારોની તરફેણમાં ઊભા રહીને તેમની સમસ્યાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી, જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો અને ચૂંટણીમાં તેનો પ્રતિબિંબ જોવા મળ્યો.
મુનંબમનો વક્ફ વિવાદ સાત દાયકાથી વધુ જૂનો હોવાનું માનવામાં આવે છે. સિદ્દીકી સૈત નામના વ્યક્તિએ આ જમીન ફરીદ કોલેજને દાન આપી હતી, પરંતુ આ જમીન પર પહેલેથી જ સ્થાનિક લોકો રહેતા હતા. સમય જતાં કોલેજ પ્રશાસને આ જમીનનો એક ભાગ સ્થાનિક રહેવાસીઓને વેચી દીધો. ત્યારબાદ કેરળ વક્ફ બોર્ડે સમગ્ર જમીનને વક્ફ સંપત્તિ તરીકે રજિસ્ટર કરી દીધી, જેના કારણે અગાઉ થયેલા તમામ સોદાઓ અમાન્ય ગણવામાં આવ્યા. આ નિર્ણયથી સેંકડો પરિવારો સામે તેમના ઘરો અને જમીન પરથી કબજો ગુમાવવાનો ભય ઊભો થયો અને સમગ્ર વિસ્તાર લાંબા સમય સુધી અસંતોષ અને અનિશ્ચિતતામાં ફસાઈ ગયો.
આ નિર્ણયના વિરોધમાં મુનંબમ અને ચેરાઈ વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો 410 દિવસથી વધુ સમય સુધી આંદોલન કરતા રહ્યા. તેમણે આ મુદ્દે કોઝિકોડ વક્ફ ટ્રિબ્યુનલમાં કાનૂની લડત પણ લડી. રાજ્ય સરકારે જમીનની માલિકીની તપાસ માટે સી.એન. રામચંદ્રન નાયર કમિશનની રચના કરી હતી. શરૂઆતમાં કેરળ હાઈકોર્ટની સિંગલ બેંચે આ કમિશનને રદ કર્યું હતું, પરંતુ બાદમાં ડિવિઝન બેંચે કમિશનને પુનઃસ્થાપિત કરી 2019ના વક્ફ રજિસ્ટ્રેશનને કાયદેસર ન હોવાનું જણાવ્યું. ત્યારબાદ, મીડિયા અહેવાલો અનુસાર, 12 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ‘નોટ વક્ફ’ના નિર્ણય પર રોક લગાવી જાન્યુઆરી 2026 સુધી યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે, જેના કારણે હાલ કોઈ પણ પરિવારને બળજબરીથી હટાવી શકાશે નહીં. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ લોકોને ન હટાવવાની ખાતરી આપી છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં ભાજપ આ મુદ્દાને ‘ન્યાય સામે અન્યાય’ની લડાઈ તરીકે પ્રસ્તુત કરી રહી છે. મુનંબમની જીતને પાર્ટી કેરળમાં ખ્રિસ્તી સમુદાય તરફથી વધતા સમર્થનના સંકેત તરીકે જોઈ રહી છે. ભલે આ જીત પ્રતીકાત્મક હોય, પરંતુ વક્ફ જેવા સંવેદનશીલ મુદ્દે ભાજપે ઉભી કરેલી આ રાજકીય narrative આગામી વિધાનસભા ચૂંટણીમાં તેને ફાયદો અપાવી શકે છે. કેરળના પરંપરાગત રાજકીય સંતુલનમાં આ ફેરફાર લાંબા ગાળે કેટલો અસરકારક સાબિત થશે, તેની ચર્ચા હવે રાજ્યના રાજકારણમાં કેન્દ્રસ્થાને આવી ગઈ છે.