શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને માઇનસ 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે એક દિવસ પહેલા નોંધાયેલા માઇનસ 2.5 ડિગ્રીથી ઘણું ઓછું છે. દક્ષિણ કાશ્મીરનું શોપિયાં ફરીથી સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં પારો માઇનસ 5.9 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો. હિમપાત ન હોવા છતાં, રાત્રિના કડકડતા ઠંડીના કારણે રસ્તાઓ પર પાળો જમાઈ રહ્યો છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

ઉત્તર ભારત જ નહીં, રાજસ્થાનમાં પણ શિયાળાની તીવ્રતા વધતી જાય છે. ફતેહપુર અને બિકાનેરમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા, રાજ્યના અનેક શહેરોમાં ઠંડુ વલણ વધુ ઘેરાયું છે. બીજી તરફ, દિલ્હી NCRમાં ઠંડી સાથે પ્રદૂષણની ગંભીર સમસ્યા યથાવત છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ઘટીને 23.7 ડિગ્રી રહ્યું, જે સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું દિવસનું તાપમાન છે, જ્યારે લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી રહ્યો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ દિલ્હીની હવાની ગુણવત્તા 335 AQI સાથે સતત બીજા દિવસે ‘વ્હેરી પોર’ કેટેગરીમાં રહી, જેને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધવાની આશંકા છે.

દક્ષિણ તરફ, તમિલનાડુમાં નબળા પડેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠા સહિત અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે વરસાદની આગાહીને કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગાલપટ્ટુ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જવાથી પરિવહનમાં પણ વિક્ષેપ પડ્યો છે.

શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાની વિનાશકારી અસર હજુ પણ સામે આવી રહી છે. 6 થી 7 અબજ ડોલર જેટલું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે, જે દેશની કુલ GDPના 3 થી 5 ટકા જેટલું છે. વાવાઝોડાને કારણે 465 લોકોનાં મોત થયા છે, જ્યારે 366 લોકો હજુ સુધી લાપતા છે. પૂર, ભૂસ્ખલન અને ઇમારતો ધરાશાયી થવાને કારણે અનેક જિલ્લાઓનું નુકસાન વધુ ગંભીર બન્યું છે. અધિકારીઓ મુજબ, માત્ર 25 જિલ્લાઓમાં જ વાવાઝોડાની વિનાશકારી અસર જોવા મળી છે.