/connect-gujarat/media/media_files/2025/12/11/rajasthan-2025-12-11-13-10-00.jpg)
રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપનના મામલે પરિસ્થિતિ તંગ બની રહી છે, કારણ કે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓએ સુધારા અને વાતચીતની માંગ સાથે ઉગ્ર દેખાવો શરૂ કર્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટ તેમના ખેતી વિસ્તારને અસર કરશે, પાણીનો જથ્થો ઘટાડશે અને જમીન પર પ્રદૂષણનો જોખમ ઊભો કરશે. સરકાર પ્લાન્ટને રોજગાર તથા ઉદ્યોગિક વિકાસ માટે આવશ્યક કહી રહી છે, પરંતુ ખેડૂતો પોતાની જમીન અને જીવનજરૂરિયાતોની સુરક્ષા માટે અડગ છે.
સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસએ બલનો ઉપયોગ કર્યો, જયારે ખેડૂતો બેરિકેડ્સ તોડી આગળ વધવાના પ્રયાસો કરતા હતા. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો, લાઠીચાર્જ અને ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ. અથડામણમાં કેટલાક ખેડૂતો અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય ગ્રામજનોની સંમતિ વિના લેવામાં આવ્યો છે. તેઓ પ્લાન્ટના સ્થળાંતર અથવા સંપૂર્ણ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, સ્થાનિક પ્રશાસનનો દાવો છે કે પ્રોજેક્ટ તમામ પર્યાવરણીય માપદંડો મુજબ મંજૂર કરવામાં આવ્યો છે અને વિકાસને અટકાવી શકાય નહીં. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકીય માહોલમાં પણ ગરમાવો લાવી દીધો છે. વિરોધ પક્ષ સરકારે ખેડૂતોની અવાજને દબાવી પ્રોજેક્ટ લાદવાનો આરોપ મૂકી રહ્યો છે, જ્યારે સરકારનો દાવો છે કે વિકાસ અને સ્થાનિક હિત વચ્ચે સંતુલન સાધીને ઉકેલ લાવવામાં આવશે. રાજ્યમાં આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગહન રંગ લેવાની શક્યતા છે.