કેન્દ્ર સરકારે શનિવારે (7 સપ્ટેમ્બર) પૂર્વ ટ્રેઇની અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત કર્યા છે. તેમની સામે આઈએએસ (પ્રોબેશનરી) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.પૂજા 2023 બેચની IAS ટ્રેઇની હતી. તેણે CSE-2022માં 841મો રેન્ક મેળવ્યો હતો. તે જૂન 2024થી ટ્રેનિંગ લઈ રહી હતી. તેના પર અનામતનો લાભ લેવા માટે સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં બેસવા માટે પોતાના વિશે ખોટી માહિતી આપવાનો આરોપ છે.
UPSCએ પોતાની તપાસમાં પૂજાને દોષિત ગણાવી હતી. આ પછી 31 જુલાઈએ પૂજાનું સિલેક્શન કેન્સલ કરવામાં આવ્યું હતું. પૂજા પર તેની ઉંમર, તેના માતા-પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. પસંદગી રદ થતાં પૂજાએ પોતાનું પદ ગુમાવ્યું હતું. તેને ભવિષ્યમાં UPSCની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ છે.