/connect-gujarat/media/media_files/2025/12/21/aravali-2025-12-21-13-16-59.jpg)
કરોડો વર્ષોથી ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ સમાન રહેલી અરવલ્લી પર્વતમાળા આજે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા 20 નવેમ્બરે આપવામાં આવેલા તાજેતરના ચુકાદામાં અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવતા પર્યાવરણવિદો, સામાજિક કાર્યકરો અને સ્થાનિક સમુદાયોમાં ઊંડી ચિંતા ફેલાઈ છે. આ નવી વ્યાખ્યા મુજબ આજુબાજુની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર અથવા પર્વતનો ભાગ જ હવે કાયદેસર રીતે અરવલ્લી પર્વતમાળાની શ્રેણીમાં ગણાશે. પરિણામે, અત્યાર સુધી કુદરતી સુરક્ષા કવચરૂપે ઓળખાતી પર્વતમાળાનો મોટો હિસ્સો કાયદાકીય રક્ષણની બહાર જઈ શકે છે અને તેના કારણે ખનન, ખાણકામ તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે રસ્તો ખુલ્લો થવાની દહેશત વ્યક્ત થઈ રહી છે.
અરવલ્લીની ગીરીમાળામાં કુલ 12,081 પર્વતો આવેલા છે, જેમાંથી માત્ર 1,048 પર્વતો 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ આંકડાઓ મુજબ નવી વ્યાખ્યા લાગુ પડે તો માત્ર 8.7 ટકા પર્વતો જ અરવલ્લી તરીકે ઓળખાશે, જ્યારે 90 ટકાથી વધુ પર્વતો પર જમીન અને ખનિજ ઉત્ખનનથી ભારે નુકસાન થવાની શક્યતા છે. આ જ કારણસર રાજસ્થાન સાથે સાથે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ અભિયાન સોશિયલ મીડિયામાં તેજ બન્યું છે. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે આ પ્રાકૃતિક દીવાલોનું કાનૂની રક્ષણ દૂર થતાં ખનન, પથ્થર ક્રશિંગ અને અનિયંત્રિત વિકાસથી પર્યાવરણીય સમતુલા બગડશે, થાર રણનો વ્યાપ વધશે અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર પહોચશે.
અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થર અને ડુંગરોની શ્રેણી નથી, પરંતુ તે ઉત્તર અને પશ્ચિમ ભારત માટે કુદરતી રક્ષણકવચ છે. આ પર્વતમાળા થારના રણમાંથી આવતાં ગરમ પવનોને રોકીને ફળદ્રુપ જમીનોને ઉજ્જડ બનતાં અટકાવે છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રીચાર્જ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેના પર સાબરમતી સહિત અનેક નદીઓ, તળાવો, કૂવા અને બોર આધારિત છે. જો આ પર્વતમાળામાં આડેધડ ખનન શરૂ થશે તો જળસ્તર ઘટશે, ખેતી અને પશુપાલન પર લાંબા ગાળે ગંભીર અસર પડશે અને માનવ તથા વન્યજીવ વચ્ચેના સંઘર્ષોમાં વધારો થવાની ભીતી છે.
પર્યાવરણવિદોનું કહેવું છે કે અરવલ્લી પર્વતમાળાનો નાશ થવાથી હવામાનનું સંતુલન બગડશે, વરસાદની પ્રણાલીમાં અસ્થિરતા આવશે અને ગરમીની લહેરો વધુ તીવ્ર બનશે. માટીનું ધોવાણ વધવાથી જમીનની ઉર્વતા ઘટશે, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક આજીવિકા પર સીધી અસર પડશે. સાથે જ, અરવલ્લી પર્વતમાળા જૈવવૈવિધ્યનો આધારસ્તંભ છે, જ્યાં લાખો વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ અને વન્ય જીવોનું કુદરતી નિવાસસ્થાન છે. આ વિસ્તારોમાં ખનન અને ઉદ્યોગો વધવાથી આ સમગ્ર પર્યાવરણીય સાંકળ તૂટવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ‘અરવલ્લી બચાવો’ અભિયાન અંતર્ગત સરકાર પાસે સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે કે ખનન પર કડક નિયંત્રણ લાવવામાં આવે, વનવિસ્તારોનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે અને વિકાસ તથા પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં આવે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ પર્વતમાળાની વચ્ચે ઘેરાયેલો હોવાથી અહીંના લોકો માટે અરવલ્લી કુદરતી આપત્તિઓ સામે સુરક્ષા ચક્ર સમાન છે. જો આ પર્વતમાળા નાશ પામશે તો આવનારા સમયમાં પાણીની અછત, હવામાનનું અસંતુલન અને ગ્રામ્ય જીવન પર ગંભીર અસર થવી નિશ્ચિત છે. વિકાસ જરૂરી છે, પરંતુ તે પર્યાવરણના ભોગે ન હોવો જોઈએ—આ ભાવના સાથે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ઉઠતો અવાજ હવે રાજ્યની નીતિ અને ભવિષ્યના વિકાસ મોડલ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યો છે.