/connect-gujarat/media/media_files/2025/11/24/air-show-cancle-2025-11-24-18-10-13.jpg)
દુબઈ એર શૉમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના તેજસ વિમાન ક્રેશ બાદ પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોની કડક ટીકા કરી છે. દુર્ઘટનાની ગંભીર ક્ષણો છતાં શો સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવ્યો હતો એ બાબતે US એરફોર્સના F-16 પાઈલટ તથા ટીમ કમાન્ડર મેજર ટેલર ફેમા હિએસ્ટર આશ્ચર્યચકિત રહી ગયા હતા. તેમણે જણાવ્યું કે ક્રેશના થોડા જ પળો પછી કોમેન્ટેટર્સના અવાજમાં પહેલાની જેમ જ ઉત્સાહ હતો, ભીડ ઉત્સાહથી તાળીઓ પાડી રહી હતી અને એ જોઇને તેમને લાગ્યું કે જાણે કોઈ મોટી દુર્ઘટના બની જ નહોતે.
મેજર હિએસ્ટરે જણાવ્યું કે તેમની ટીમે ભારતીય પાઈલટ નમાંશ સ્યાલના સન્માનમાં તેમનું અંતિમ પરફોર્મન્સ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્સ્ટાગ્રામ પર લખેલા તેમના સંદેશમાં તેમણે લખ્યું કે આગ નિયંત્રણમાં આવ્યા બાદ જ્યારે આયોજકો તરફથી જાણ મળી કે ફ્લાઈંગ ડિસ્પ્લે ચાલુ રહેશે, ત્યારે તેમને લાગ્યું કે આ સ્થિતિમાં પરફોર્મ કરવું અસંગત છે. તેઓએ શો સાઇટ પર થોડા સમય બાદ પાછા જઈને જોયું ત્યારે પણ લોકો એ જ ઉત્સાહ સાથે તેઓ સામે આવતા આગામી શોનો આનંદ લઈ રહ્યા હતા, જે તેમને અત્યંત અસ્વાભાવિક લાગ્યું.
આયોજકોના નિર્ણય અંગે સવાલ ઊભા કરતાં હિએસ્ટરે કહ્યું કે નમાંશ સ્યાલની જેમ એક કુશળ પાઈલટનું અવસાન થવા છતાં શૉ ચાલુ રાખવો એમને માનસિક રીતે સ્વીકાર્ય નહોતો. તેમણે જણાવ્યુ કે દુર્ઘટના બાદ તેમની ટીમ સાથે અન્ય કેટલાક પાઈલટોએ પણ પોતાના અંતિમ પ્રદર્શન રદ્દ કર્યા, જે સંપૂર્ણપણે નમાંશ સ્યાલ, તેમના સાથીદારો અને તેમના પરિવારનો માન રાખવા લેવામાં આવેલો પગલੋ હતો.
અંતમાં અમેરિકન પાઈલટ હિએસ્ટરે "The show must go on" જેવી પ્રચલિત કહેવતનો ઉલ્લેખ કરીને કહ્યું કે હા, શો ચાલતો રહે છે, પરંતુ અકસ્માતમાં ગુમાવાયેલા જીવનની કિંમત પણ લોકો એ ભૂલવી નહીં જોઈએ. બીજી તરફ, વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો કાંગડા સ્થિત તેમના વતન ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પિતા જગન્નાથ સ્યાલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે દેશે એક હોશિયાર અને બહાદુર પાઈલટ ગુમાવ્યો છે જ્યારે તેમણે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યો છે.