/connect-gujarat/media/media_files/2025/11/09/gangster-2025-11-09-16-30-25.jpg)
ભારતીય સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સફળતા મેળવી છે.
હરિયાણા અને પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરો — વેંકટેશ ગર્ગ અને ભાનુ રાણા —ને વિદેશી ધરતી પરથી અટકાયત કરવામાં આવી છે. વેંકટેશ ગર્ગની ધરપકડ જ્યોર્જિયામાં જ્યારે ભાનુ રાણાની ધરપકડ અમેરિકામાં કરવામાં આવી છે. બંને પર હત્યા, ખંડણી, ફાયરિંગ અને અન્ય ગંભીર ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે.
હરિયાણાનો કુખ્યાત ગુનેગાર વેંકટેશ ગર્ગ, જે કપિલ સાંગવાન ઉર્ફે નંદુની ગેંગ સાથે સંકળાયેલો માનવામાં આવે છે, તેની ધરપકડ બાદ હવે તેને ભારત પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. હરિયાણા પોલીસે તેની માટે ખાસ ટીમ જ્યોર્જિયા મોકલી છે. બીજી તરફ, અમેરિકામાં ધરપકડ કરાયેલા ભાનુ રાણા પર પણ અનેક ગંભીર આરોપો છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભાનુ રાણાનું નેટવર્ક હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં સક્રિય હતું અને પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલાની તપાસમાં તેનું નામ સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, અમેરિકા અને અન્ય દેશોમાં તેના ઘણા સંપર્કો છે, જે આ ગેંગ માટે નાણાં અને હથિયારોની સપ્લાયમાં મદદ કરતા હતા. અત્યાર સુધીમાં તેની સાથે જોડાયેલા અનેક સાગરીતની ધરપકડ થઈ ચૂકી છે.
આ ધરપકડો ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારે વિદેશમાં છુપાયેલા ગુનેગારો સામે સક્રિય અભિયાન ચલાવ્યું છે. હવે બંને ગેંગસ્ટરોને ટૂંક સમયમાં ભારત લાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાશે.