/connect-gujarat/media/media_files/2025/12/02/bill-2025-12-02-14-06-10.jpg)
સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર
સરકારએ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનીતા સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર હાલ લાગુ 40% જેટલો ઊંચો કરબોજ જાળવવા માટે સોમવારે સંસદના શિયાળું સત્રના પ્રથમ જ દિવસે બે મહત્વપૂર્ણ વિધેયકો લોકસભામાં પાસ કરાવ્યા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા ‘ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક–2025’ અને ‘સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક–2025’નો મુખ્ય હેતુ એ છે કે આ હાનિકારક વસ્તુઓ GST ક્ષતિપૂર્તિ ઉપકરના સમાપ્તિ પછી પણ સસ્તી ન બને અને જાહેર આરોગ્ય તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકારે વધારાનું આવક સ્ત્રોત જાળવી રાખે.
વિસ્તૃત માહિતી મુજબ,ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક બનાવવામાં આવ્યો છે જેથી સિગારેટ, સિગાર, હુક્કો, જર્ધો સહિત તમામ પ્રકારના તમાકુ ઉત્પાદનો પર સીધી એક્સાઇઝ ડ્યુટી મૂકી શકાય. બીજી તરફ, ‘સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક’ પાન મસાલા પર લાગતા વર્તમાન ઉપકરને બદલીને નવો સેસ લાદશે. સરકારનો દાવો છે કે આ નવા પ્રસ્તાવો દ્વારા કાર્યક્રમો અને સુરક્ષા–સંબંધિત ખર્ચો માટે સ્થિર અને પૂરતો આવક આધાર ઉભો થશે.
જુલાઈ 2017માં GST અમલમાં આવ્યા બાદ પાંચ વર્ષ માટે રાજ્યોને નુકસાનની ભરપાઈ કરવા Compensation Cess લાદવામાં આવ્યો હતો. પાનડેમિકને કારણે આ અવધિ 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ હવે સમયસીમા નજીક આવી રહી હોવાથી તમાકુ–પાન મસાલા પરનું ઊંચું કર પણ સમાપ્ત થવાની શક્યતા હતી. જો આવું બનતું તો આ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થાય અને તેના વ્યાપક વપરાશમાં વધારો થવાનો ભય સતાવતો હતો. આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારએ નવા વિધેયકો દ્વારા જૂના સેસને સ્થિર કરપ્રણાલીથી બદલવાનો નિર્ણય કર્યો છે.
વિધેયકો રજૂ થતા જ વિપક્ષ દળોએ વિરોધ નોંધાવ્યો. તૃણમૂલ કોંગ્રેસના સભ્ય સૌગત રોયે સરકાર પર આક્ષેપ કર્યો કે તે માત્ર આવક એકત્રિત કરવાનું જ ધ્યેય રાખે છે, જ્યારે તમાકુના ઉપયોગથી થતા ગંભીર આરોગ્ય પ્રભાવો અંગે જરૂરી પગલાં લેવાની ઇચ્છા સરકારમાં દેખાતી નથી. ડીએમકેના સાંસદ કથિર આનંદે પણ જણાવ્યું કે આ નિર્ણય સામાન્ય લોકો પર વધારાનો કરબોજ નાખવા જેવો છે અને સરકાર રાજકીય રીતે સરળ ટાર્ગેટ પસંદ કરી રહી છે.