/connect-gujarat/media/media_files/2025/11/10/accident-2025-11-10-16-24-43.jpg)
ભોપાલમાં બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં ભારતીય નેવીના બે જવાનોનું મૃત્યુ થયું છે.
અહેવાલો અનુસાર, રવિવારની વહેલી સવારે એક ઝડપી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બંને જવાનો લગભગ 20 મીટર સુધી ઘસડાયા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના ટુકડા ટુકડા થઈ ગયા. મૃતકોમાં એક જવાન એશિયા કપનો ગોલ્ડ મેડાલિસ્ટ હતો, જે દેશ માટે ગૌરવ લાવનાર ખેલાડી હતો.
પોલીસના જણાવ્યા મુજબ, બંને મૃતકોની ઓળખ વિષ્ણુ આર્ય રઘુનાથ અને આનંદ કૃષ્ણન તરીકે થઈ છે. બંને કેરળના અલાપ્પુઝા જિલ્લાના રહેવાસી અને કોચી સ્થિત નેવલ બેઝ પર તહેનાત હતા. રિપોર્ટ અનુસાર, બંને જવાનો શનિવારે રાત્રે ભોપાલ-ઇન્દોર હાઇવે પર આવેલા એક ઢાબા પર જમવા ગયા હતા. વહેલી સવારે પાછા ફરતી વખતે મુબારકપુર ટોલ અને રક્ષા વિહાર કોલોની વચ્ચે તેમની બાઈકને ટ્રકે ટક્કર મારી.
પ્રારંભિક તપાસમાં પોલીસને લાગ્યું કે બાઈક કાબૂ ગુમાવવાથી દુર્ઘટના બની હતી, પરંતુ બાઈકના પાછળના ભાગમાં થયેલા ભારે નુકસાન અને ઘસડાયાના નિશાનને જોઈને ટ્રક સાથે અથડામણની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. FRV ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર નેવી અને ખેલ જગતમાં શોકની લાગણી ફેલાવી છે. એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ વિષ્ણુ આર્ય રઘુનાથના મોતથી સહકર્મીઓ અને રમતગમત જગત સ્તબ્ધ છે. બંને જવાનોના મૃતદેહો 10 નવેમ્બરે દિલ્હી લાવવામાં આવશે, જ્યાંથી તેમને તેમના વતન કેરળના અલાપ્પુઝા મોકલવામાં આવશે અંતિમ સંસ્કાર માટે. પોલીસે કહ્યું છે કે આ કેસને ગંભીરતાથી લઈ ફરાર ટ્રક ડ્રાઈવર અને વાહનની શોધ માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.