વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને મંજૂરી આપવામાં આવી છે. તેના પર સરકાર 28 હજાર 602 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેનાથી લગભગ 10 લાખ નોકરીઓની તકો ઉભી થશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણા મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. લગભગ 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીમાં કુલ 1.52 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે. તેમાંથી 2 ઔદ્યોગિક શહેરો આંધ્રપ્રદેશમાં અને એક બિહારમાં વિકસાવવામાં આવશે. ઉત્તરાખંડને ઔદ્યોગિક સ્માર્ટ સિટીની ભેટ પણ મળી છે.બજેટમાં સરકારે ખાનગી અને સરકારી ભાગીદારીથી આવા શહેરોના વિકાસની જાહેરાત કરી હતી. દેશના 100 શહેરોમાં અથવા તેની નજીકમાં 'પ્લગ એન્ડ પે' ઔદ્યોગિક પાર્ક વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી.