દેશના વડાપ્રધાન ખેડુતોની આવક બમણી કરી દઇશું તેવું તેમના દરેક ભાષણમાં કહી રહયાં છે તેવામાં જ કેન્દ્રના રાજયકક્ષાના ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્રએ લખીમપુર ખીરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતો પર કાર ફેરવી દેતાં આઠ ખેડુતોનો મોત થયાં છે જયારે અન્ય આઠ ખેડુતો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયાં છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાનુનો સામે ખેડુતો આંદોલન કરી રહયાં છે. ગઇકાલે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી ગામે ખેડુતો રાજકીય કાર્યક્રમનો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતાં. કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અજય મિશ્રા ટેનીએ સ્ટેજ પરથી ખેડુતોને સુધરી જજો નહિતર બે મિનિટમાં સીધા કરી દઇશ તેમ જણાવી ખેડુતોને ધમકી આપી હતી. કાર્યક્રમ બાદ મંત્રીનો કાફલો પરત જઇ રહયો હતો ત્યારે મંત્રીના પુત્ર આશિષ મિશ્રાએ તેમની કાર ખેડુતોના ટોળા પર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં આઠ ખેડુતોના મોત થયાં છે જયારે 8 ખેડુતો ગંભીર હાલતમાં સારવાર લઇ રહયાં છે. ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. ઉત્તરપ્રદેશમાં થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચુંટણી યોજાવા જઇ રહી છે તેવામાં ભાજપના જ મંત્રીના પુત્રના કારણે આખી ભાજપ બેકફુટ પર આવી ગઇ છે અને વિપક્ષોને મુદ્દો મળી ગયો છે. ગઇકાલે રાતથી જ વિપક્ષના નેતાઓએ લખીમપુર ખીરીની વાટ પકડી હતી પણ તેમને રસ્તામાંથી જ ડીટેઇન કરી લેવાયાં હતાં. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને રોકવામાં આવતાં તેમણે પોલીસ અધિકારીઓનો ઉઘડો લીધો હતો.
બીજી તરફ પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને નજરકેદ કરી લેવામાં આવતાં તેમણે તેમના નિવાસસ્થાનની બહાર ધરણા શરૂ કરી દીધાં હતાં. લખનઉમાં ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. આ પહેલાં કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યાં હતાં. ઉત્તરપ્રદેશમાં ઝડપથી બદલાય રહેલાં ઘટનાક્રમ વચ્ચે નેતાઓના ટવીટ સામે આવી રહયાં છે. જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટવીટ કરી જણાવ્યું છે કે, 'ઉત્તરપ્રદેશ નવું જમ્મુ-કાશ્મીર છે.
લખીમપુર હિંસા પર હોબાળો વધી રહ્યો છે. હિંસા અને ખેડૂતોના મોત સામે યુપી તેમજ હરિયાણાના અંબાલા અને કર્ણાટકના બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેણે કહ્યું, ભાજપ ખૂની અને ડરપોક છે. જે ખેડૂતો સાથે થયું, તે કાલે તમારી સાથે પણ થઈ શકે છે.
લખીમપુર ખીરીમાં બનેલી ઘટના બાદ આબરૂનું ધોવાણ થતાં ઉત્તરપ્રદેશની ભાજપ સરકારે મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે પણ આ ઘટનાની આગ ઉત્તરપ્રદેશની ચુંટણીમાં ભાજપને દઝાડે તેવી સંભાવના વધી છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોઇ નિવેદન સામે આવ્યું નથી. તેમણે આ ઘટનાની નિંદા પણ કરી નથી કે આરોપીઓ સામે પગલાં ભરાશે તેની ખાતરી પણ આપી નથી. બીજી તરફ લખીમપુર ખીરી કેસમાં સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવા તથા તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં હરિયાણાના સીએમ ખટ્ટર પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે જણાવ્યું છે કે, આ બધું આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે.