8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચની ભલામણો સબમિટ થવામાં હવે માત્ર 17 મહિના બાકી છે અને તેની અમલ તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે.

New Update
8th pay comm

આઠમા પગાર પંચના અમલ અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને કેન્દ્ર સરકારે અંત આપી દીધો છે.

સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચની ભલામણો સબમિટ થવામાં હવે માત્ર 17 મહિના બાકી છે અને તેની અમલ તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. હાલની સ્થિતિ પ્રમાણે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે અને તેનો ગેઝેટ નોટિફિકેશન 3 નવેમ્બર 2025ના રોજ બહાર પડી ચૂક્યો છે. કમિશન પોતાની રચના પછીના 18 મહિનાની અંદર ભલામણો રજૂ કરશે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થાય છે, પરંતુ 8મો પગાર પંચ કઈ તારીખથી લાગુ થશે તે અંગે હજી સરકાર દ્વારા ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી.

નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે હાલ કેન્દ્ર સરકારના લગભગ 50.14 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો છે, અને આઠમા પગાર પંચના અમલ થયા બાદ આ તમામ લોકોને લાભ મળશે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખું, પેન્શન, ભથ્થાં, તેમજ સુવિધાઓમાં સુધારાની પ્રક્રિયા આ કમિશનના કાર્યક્ષેત્રમાં આવશે. ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનું મોટું પડકાર રૂપ કામ કમિશન સામે છે, કારણ કે આ ફેક્ટર પર સીધો પગાર વધારો નિર્ભર છે.

કમિશનની ભલામણો અમલી બને તેના પહેલાં ફંડની વ્યવસ્થા કેવી રીતે થશે તે અંગે પણ સરકારએ સ્પષ્ટતા કરી છે. નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના મહત્ત્વના નાણાકીય નિર્ણયો માટે સરકાર પૂર્વ-નિર્ધારિત પ્રક્રિયા અનુસરે છે અને સમયસર ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. 8મા પગાર પંચની રચના થયા બાદ કેન્દ્ર સરકારે ઝડપથી પગલાં લીધાં છે અને હવે કમિશન ભલામણો તૈયાર કરવામાં વ્યસ્ત છે. આગામી મહિનાઓમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ સ્પષ્ટતા અને શક્ય મુજબ અમલ તારીખની જાહેરાત થવાની સંભાવના છે.

Latest Stories