/connect-gujarat/media/media_files/2025/03/03/LCcJIzHZDqNrEgeXyVJW.jpg)
આજે વિશ્વ શ્રવણ દિવસ છે,ત્યારે ચિંતાજનક રીતે બહેરાશનું પ્રમાણ પણ વધી રહ્યું છે.મોબાઇલમાં ઈયરફોનનો ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે.જે સાંભળવાની શક્તિમાં ઉણપ લાવી રહ્યો હોવા નું તજજ્ઞો માની રહ્યા છે.
અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા.પરંતુ ઈયરફોનના ઉપયોગથી બાળકોમાં પણ બહેરાશની સમસ્યા જોવા મળી રહી છે. આજે વિશ્વ શ્રવણ દિવસ છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય છે. મહત્વનું છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 158 વધુ બહેરાશના કેસ નોંધાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ડોક્ટરોના મતે સાંભળવાની પ્રક્રિયામાં કાનના તંતુઓ કામ કરે છે. આ તંતુ સામાન્ય છે કે તકલીફવાળા તે તપાસથી ખબર પડે છે.60 ડેસિબલ કમ્ફર્ટ લેવલ છે.આથી જેમ-જેમ થ્રેશહોલ્ડ વધતો જાય તેમ તેમ સમસ્યા વધવા લાગે છે. બહેરાશને લઈને આજે પણ આપણા સમાજમાં એક પ્રકારે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. બહેરાશની સમસ્યા પ્રત્યે જાગૃતિના અભાવે અકસ્માત, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઘણા બાળકોનો વિકાસ પણ બહેરાશની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ રાખવાથી રૂંધાઇ જાય છે.
ડોક્ટરોના મતે 60 ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે.85 ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશતઃ કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવી જાય છે.30 મિનિટથી વધુ ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.