જુનાગઢ જિલ્લાના કેશોદમાં ચોરીના વધી રહેલાં બનાવો સામે વેપારીઓ અને કારખાના સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. અગતરાય ગામમાં એક જ રાતમાં પાંચ કારખાનાના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો.
કેશોદના સોંદરડા અને અગતરાય પંથકમાં ચડ્ડી બનિયન ધારી ટોળકી આતંક મચાવી રહી છે. બે દિવસ પહેલાં સોંદરડા જીઆઇડીસીમાં આવેલાં કારખાનામાં ચોરીનો બનાવ બનતાં કારખાનેદારોમાં રોષ ફેલાયો હતો અને વેપારીઓ પોલીસ સ્ટેશન રજુઆત કરવા પહોંચી ગયું હતું. વેપારીઓની રજુઆતને કલાકો જ થયા હતાં ત્યાં ટોળકી અગતરાય ગામે ત્રાટકી હતી. તસ્કરોએ એક જ રાતમાં પાંચ કારખાનાના તાળા તોડયાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. તસ્કરોએ કારખાનાઓમાં તોડફોડ કરી 15 હજાર રૂપિયા ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. દરરોજ બની રહેલાં ચોરીના બનાવોથી ત્રસ્ત વેપારીઓમાં રોષ ફેલાયો છે. તેમણે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગણી કરી છે.