જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફૂલીયા ગામે રાત્રીના સમયે સિંહ બાળકીને ઉઠાવી ગયો હતો, ત્યારે સિંહો હવે માનવભક્ષી બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વન વિભાગ દ્વારા માનવભક્ષી સિંહોને વહેલી તકે પકડી પાંજરે પુરાવામાં આવે તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ગીર જંગલ વિસ્તારના સિંહો હવે માનવ વસ્તી તરફ આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વંથલી તાલુકાના ધણફૂલીયા ગામે રાત્રીના સમયે સિંહો ચઢી આવ્યા હતા. જેમાં સિમ વિસ્તારમાં રહેતા ખેત મજૂરની બે બાળકી પૈકી એક બાળકીને ઉઠાવી જઈ તેનું મારણ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવતાં પરિવાર હાલ શોકની લાગણીમાં ગરકાવ થયો છે, ત્યારે સ્થાનિક વન વિભાગ દ્વારા માનવભક્ષી સિંહોને પકડી પાંજરે પુરાવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વાડી વિસ્તારમાં રહેતા ગોધરાના ખેત મજૂર દીપસિંગ બાબરીયાની દીકરી ભાવના અને તેની બહેન પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. જેમાં નાની બહેને સિંહના હુમલાથી બચવા પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું, જ્યારે મોટી બહેન સિંહનો શિકાર બની ગઈ હતી, ત્યારે માનવ ઉપર સિંહ અને દીપડાના હુમલાના બનાવો હવે દિન પ્રતિદિન વધી રહ્યા છે. પશુઓનો શિકાર કરતા સિંહો હવે માનવભક્ષી થવા લાગ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીના વિસ્તારમાં સિંહોએ ધામા નાંખ્યા છે, ત્યારે સિમ વિસ્તારમાં ખેતી કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરો હવે વન્ય પ્રાણીઓના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે જુનાગઢ જિલ્લા વન વિભાગ દ્વારા સિંહોના લોકેશન ટ્રેસ કરી વહેલી તકે પકડી પાડવા સહિત મૃતકના પરિવારને પણ સરકાર તરફથી સહાય ચૂકવાય તે અંગે બાહેંધરી આપવામાં આવી છે.