/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/02160414/JNG-ZOO-ANIMAL-e1617359667811.jpg)
ઉનાળાની કાળઝાળ ગરમીની હજી તો શરૂઆત થઈ છે, ત્યારે જુનાગઢ ખાતે આવેલ સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ગરમી સામે રાહત મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો એ.સી. તેમજ એર કુલર જેવા આધુનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે, જ્યારે વન્યજીવો પણ ગરમીથી બચવા જંગલમાં નદી કાંઠે અથવા પાણીના પોઇન્ટ નજીક દિવસ પસાર કરી ગરમીથી રાહત મેળવતા હોય છે. પરંતુ ઝૂના પશુ-પક્ષીઓને ગરમીથી રાહત આપવી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ભારેખમ ગરમી અને તાપ વરસતા જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
જુનાગઢ સક્કરબાગ ઝૂમાં ગરમીથી રાહત માટે પક્ષીઓના પિંજરામાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેથી ગરમીના સીધા તાપમાંથી પક્ષીઓ બચી શકે. તથા નાના પક્ષી અને પ્રાણીઓને પાંજરા પર ભીના કંતાનો બાંધવામાં આવે છે. આ ઉપરાંત વાઘના પાંજરામાં પાણીના પોઇન્ટની અંદર બરફ મુકવામાં આવે છે. સિંહ અને દિપડાના પાંજરામાં પાણીના ફુવારાઓ લગાવવામાં આવે છે. તો સાથે જ ઉનાળાની સીઝન દરમ્યાન વન્ય જીવોના ખોરાકમાં પણ ઘટાડો થાય છે. જેથી ખાસ કરીને પશુ-પક્ષીઓને પાણી મળી રહે તેવો ખોરાક આપવામાં આવતો હોય છે. આમ હજુ તો ગરમીની શરૂઆત છે, ત્યાં લોકો તોબા પોકારવા લાગ્યા છે, ત્યારે પાંજરામાં કેદ વન્ય પ્રાણીઓ માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાબડતોડ વ્યવસ્થા શરૂ કરવાની ફરજ પડી છે.