/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/07131913/maxresdefault-68.jpg)
આ વર્ષે કોરોના મહામારીના પગલે મોટા ભાગના વેપાર-ધંધા ઠપ પડ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં મંદીનો માહોલ સર્જાતાં વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ચરોતરમાં આવેલ ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના ઉતરસંડા ગામે પાપડ-મઠિયાના ગૃહ ઉદ્યોગને પણ મોટી અસર જોવા મળી રહી છે.
ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાના ઉતરસંડા ગામના પાપડ-મઠિયાનો સ્વાદ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયા સહિતના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં પાપડ-મઠીયા અને ચોળાફળીના 15થી વધુ એકમો આવેલા છે. જેમાં 2000થી વધારે લોકોને રોજગારી મળે છે. દિવાળીના સમયમાં ઉતરસંડા ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે, અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલરમાં થાય છે. કારણ કે, દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળે છે. મોટા પ્રમાણમાં વેપારીઓ પાપડ-મઠિયા સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે.
જોકે આ વર્ષે કોરોના મહામારીના પગલે તેમના ધંધા પર મોટી અસર પડી છે, ત્યારે વેપારમાં 70 ટકાની આસપાસ નુકસાન થયું છે. હાલમાં માત્ર 30 ટકા જ માલનું વેચાણ થયું છે. માંગ ઓછી થવાના પગલે આ વર્ષે લોકોની આવક પણ લગભગ અડધી થઇ ગઈ છે.
દિવાળીના તહેવાર ટાણે ઘરાકી 70% જેટલી ઘટી છે, ત્યારે ઉત્તરસંડાના પાપડ-મઠિયાના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે વેપાર-ધંધાને ખૂબ જ મોટી અસર પડી છે. સૌથી પહેલા તો ટ્રાન્સપોર્ટ બંધ થવાથી નિકાસ બંધ થઈ ગઈ છે. જેના કારણે કુરિયરનો સહારો લેવો પડે છે. તો સાથે જ કુરિયર સેવાના ભાડાં પણ વધી ગયાં છે. આ વર્ષે લોકલ માર્કેટમાં પણ બંધ હોવાથી ધંધો ઠપ થતાં 90 ટકા નિકાસ ઓછી થઈ છે. દિવાળીના 15 દિવસ વેપાર 70થી 90 ટન જેટલો થતો હતો, જે ઘટીને આ વર્ષે 30 ટનને પણ પાર નથી થયો. વિદેશમાં સૌથી વધુ બિઝનેસ હોવાથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાંથી વધુ માંગ આવે છે. ત્યાં વસતા ગુજરાતીઓ તહેવારોના સમયે મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે, પરંતુ આ વર્ષે એમાં પણ ઘણું મોટું નુકસાન થયું છે. વેપાર ઠપ પડતાં હાલમાં 5થી 10 રૂપિયાના નફે સામાન વેચવો પડી રહ્યો છે.
ઉતરસંડા ગામમાં ઘણી ફેક્ટરી અને કારખાના આવેલાં છે. ગામનો મોટાભાગનો પરિવાર પાપડ-મઠિયાના વેપાર પર નિર્ભર રહે છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90થી 100 લોકો કામ કરે છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયા-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ કોરોના મહામારીના પગલે ફેક્ટરી અને કારખાનામાંથી સ્ટાફને પણ અડધો કરવો પડ્યો છે, ત્યારે વેપારીઓને આશા હતી કે, દિવાળીના તહેવારોમાં પાછલા 6 મહિનાનું નુકશાન સરભર થઈ જશે, પરંતુ હાલની સ્થિતિને જોતાં એ શક્ય લાગતું નથી.