ભોગ બનનારા યુવકોએ ભૂંડ ચોરી લીધા હોવાની શંકાના આધારે તેઓને શબક શીખવાડવા અપહરણનો પ્લાન કરવામાં આવ્યો હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામે 2 યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણ થયેલા 2 યુવાનોને શોધી કાઢયા છે. ભુજ બી’ ડિવિઝન પોલીસ અને એલસીબી સહિતની ટુકડીઓએ સંયુક્ત કવાયત ધરી આ ગુનામાં 7 આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં ભૂંડ પકડવા જેવી સામાન્ય બાબતે યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું આરોપીઓએ કબૂલાત આપી છે.
મળતી માહિતી અનુસાર, ભુજ તાલુકાના માધાપર ગામે સોનાપુરી સ્મશાન પાસેથી સુરેશ ગેહલોત અને વિક્રમ લોહરા નામના 2 યુવકોનું 7 જેટલા આરોપીઓએ બળજબરીપૂર્વક ફિલ્મી ઢબે બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જેની જાણ પોલીસને થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવાઈ હતી, ત્યારે પહેલા આરોપીઓ અંજાર તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા અંજાર પોલીસને એલર્ટ કરાઈ હતી. બાદમાં આરોપીઓ મુન્દ્રા તરફ ભાગતા મુન્દ્રા પોલીસને સચેત કરાઈ હતી.
જોકે આરોપીઓ ભુજના ભારાસર ગામે પહોંચતા પોલીસે તેઓને દબોચી પોલીસે બન્ને યુવકોનો છુટકારો કરાવ્યો હતો. સમગ્ર મામલે ભુજ બી’ ડિવિઝન પોલીસ અને એલસીબીની સંયુક્ત કવાયતમાં 7 આરોપીઓ ઝડપાયા હતા. જેમાં ભુજના વાલ્મીકીનગરમાં રહેતા અજય ખોખર, પ્રવીણ ગેહલોત, દિપક ભીલ, નરેશ મકવાણા, કમલ નકવાલ, વિનોદ ચૌહાણ અને વિનોદ છપરીબંધનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને સાથે જ શહેરમાં ભૂંડ પકડવાની કામગીરી પણ સંભાળે છે. ભોગ બનનારા યુવકોએ ભૂંડ ચોરી લીધા હોવાની શંકાના આધારે તેઓને શબક શીખવાડવા અપહરણનો પ્લાન કરવામાં આવ્યો હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.