/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/01172016/maxresdefault-9.jpg)
સરહદી કચ્છમાં અનેક કલા-કારીગરી જોવા મળે છે. કચ્છની બોલી અલગ છે તેવી રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે, ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છે કચ્છની અનોખી મડ આર્ટ કલાની, જોકે હવે આ કળાનો વારસો જાળવી રાખવા માટે કચ્છમાં માત્ર ગણ્યા ગાઠ્યા જ કારીગરો બચ્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ... “કળાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ...”
કચ્છ જિલ્લામાં અનેક ખજાનો ધરબાયેલો છે. સંતો-મહંતોની ભૂમિમાં ક્યાંક હડપ્પપીય સંસ્કૃતિ મળી આવે છે, તો ક્યાંક મંગળ ગ્રહ જેવા ખનીજો પણ મળી આવે છે. બીજી તરફ કચ્છના કલાકારોની કળા દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. કચ્છનું ભરતકામ, સૂડી ચપ્પુ, કચ્છની તલવાર, રોગાન આર્ટ વિગેરે જગ વિખ્યાત છે, ત્યારે આજે કચ્છના છેવાડાના સફેદ રણથી 10 કિલોમીટર પહેલા આવતા શીનીયાડો ગામના મડ વર્કના આર્ટિસ્ટ મજીખાન મૂતવાની માત્ર 16 વર્ષની ઉંમરથી મડ વર્ક આર્ટિસ્ટ તરીકે કામ કરવાની ધગશ ધરાવે છે. તેઓએ માત્ર 485 રૂપિયાનું રોકાણ કરી મડ વર્કની કળા શરૂ કરી હતી. જે આજે વિશ્વ વિખ્યાત બની છે. પ્રવાસીઓ અહીંથી મડ વર્કની ફ્રેમ લઈ જતા હોય છે. પરંતુ તેઓ દ્વારા સમયની સાથે કદમ મિલાવી ઓનલાઇન સેલિંગ પણ શરૂ કરાયું છે. સરહદી ગામના આ કારીગર છેલ્લા 3 વર્ષથી એમેઝોન સાથે જોડાયેલા છે. એમેઝોન પણ તેઓને પ્રાઈમ સેલર તરીકે પ્રમોટ કરે છે. કળાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ વર્ષે 4થી 5 લાખ રૂપિયાની કમાણી કરે છે. માજીખાન મડ વર્કની કામગીરીમાં કચ્છની અલગ અલગ અને બારીક ડીઝાઇનમાં માસ્ટર છે. જેને કારણે તેમની આ કલાત્મક ફ્રેમ માટે સમગ્ર વિશ્વમાંથી તેઓને ઓર્ડર મળે છે. જોકે આ કળા વારસા સાથે જોડાયેલા હવે ગણ્યા ગાઠ્યા કારીગરો જ બચ્યા છે, ત્યારે હવે આ કળાને સાચવી રાખવા સહિત તેને આગળ લાવવી પણ ખૂબ જરૂરી બન્યું છે.