કચ્છ જિલ્લામાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાપર ખાતે ટ્રાફીક નિયમોનું પાલન નહીં કરતાં વાહનચાલકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી હતી.
હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા લોકોને આંશિક રાહત સાથે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે કચ્છ જિલ્લાના બજારોમાં વધતી ભીડ અને ટ્રાફિકજામ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. રાપર ખાતે પોલીસે ટ્રાફીક નિયમોના પાલનની ઝુંબેશ છેડી છે. જેમાં ફોરવ્હીલમાંથી બ્લેક ફિલ્મ ઉતરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યાં એક દિવસમાં 40થી વધુ વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. તો સાથે જ કેટલાક વાહનચાલકો પાસેથી પોલીસે દંડ પણ વસૂલ કર્યો હતો. ઉપરાંત 42 લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 42 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે, જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.