ભરૂચના દહેજનો બનાવ

રિલાયન્સ કંપની બહાર ઘરણા પ્રદર્શન

લેન્ડ લુઝર્સએ આંદોલનનું શસ્ત્ર ઉગામયુ

રોજગારી આપવાની માંગ

મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો

ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર-લેન્ડ લુઝર્સ સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કરતા દોડધામ મચી જવા પામી હતી.રોજગારીના પ્રશ્ને સ્થાનિકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામયુ હતું

ભરૂચના દહેજ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય પ્રવેશદ્વાર બહાર સોમવારે જમીન ગુમાવનાર-લેન્ડ લુઝર્સ સ્થાનિકોએ ધરણા પર બેસતા ભારે દોડધામ મચી હતી. જીઆઇડીસી માટે પોતાની જમીન આપનારાઓએ કંપની સામે રોજગારી ન આપવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો.

આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, જમીન સંપાદન દરમિયાન સ્થાનિકોને રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, અનેક રજૂઆતો છતાં આજદિન સુધી યોગ્ય રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ઉતર્યા હોવાનું જણાવ્યું હતું.

ધરણાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.દરમિયાન, રિલાયન્સ કંપનીના સત્તાધીશોએ આંદોલનકારીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી. કંપની તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ તરફ આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.