ભરૂચ-શુકલતીર્થ રોડ પર કરમાલી ગામ નજીક રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાને જોયો હતો. કાર ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરના સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક અને શહેરી વિસ્તારોની નજીક જોવા મળવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
